(Source: ECI/ABP News/ABP Majha)
બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન, 7 વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી
18 વર્ષની ઉંમરે ગામ લોકોએ તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ રામસિંહ સોલંકીને બિનહરીફ આમોદરા ગામમાં સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા હતા.
Ramsinh Solanki Death: બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું 80 વર્ષની વયે આમોદરા ગામે નિધન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેઓ કોંગ્રેસ અને અપક્ષમાં રહી 7 વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને એક વખત લોકસભાની પણ ચૂંટણી લડ્યા હતા.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામે રામસિંહ સોલંકીનો જન્મ થયો હતો. પિતા રૂપસિંહ સોલંકી ખેતીનો વ્યવસાય કરતા હતા એટલે પિતાને ખેતીના કામમાં મદદ કરતા કરતા ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો. પછી એસએસસીની પરીક્ષા આપી, પણ ઉત્તીર્ણ થઇ શક્યા નહિ. પછી ગરીબીના કારણે વધુ અભ્યાસ કરવાનું માંડી વાળી પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે સમાજ સેવા શરુ કરી. 18 મે વર્ષે મતાધિકાર પ્રાપ્ત થતાની સાથે 1965 માં માત્ર 18 વર્ષ ની ઉંમરે ગામ લોકોએ તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ રામસિંહ સોલંકીને બિનહરીફ આમોદરા ગામમાં સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા. પાંચ વર્ષ ગ્રામપંચાયતમાં કુશળ વહીવટને કારણે બીજી ટર્મમાં પણ ગામ લોકોએ તેઓને સરપંચ તરીકે નિયુક્ત કર્યા.
હવે એ સક્રિય રાજકારણમાં આવ્યા હતા ત્યાર પછી તાલુકાપંચાયતના સદસ્ય તરીકે પણ ચૂંટાયા. એક વખત જિલ્લા પંચાયતમાં પણ સારી એવી બહુમતીથી ચૂંટાયા. તે સમય દરમિયાન પોતાના મત વિસ્તારમાં રસ્તા પાણી વીજળીની સમસ્યાઓ વિષે સક્રિય પણે સર્વે કરી કેટલીય સમસ્યાઓનો ઉકેલ લાવ્યા. પરંતુ આટલેથી તેમને સંતોષ નહોતો. ધીરે ધીરે સમગ્ર બાયડ તાલુકામાં ખુબ જ પ્રચલિત થયા. તેમની નિસ્વાર્થ સેવાનો ભાવ જોઈ 1980 માં કૉંગ્રેસ પાર્ટીએ રામસિંહભાઈને બાયડ વિધાનસભાની ટિકિટ આપી અને જંગી બહુમતીથી વિજયી પણ થયા. ત્યારબાદ આખા મતવિસ્તારના વિકાસના કામોની વિધાનસભામાં સચોટ રીતે રજૂઆત કરી અને ગામડાઓમાં પાકા રસ્તા ખેતી માટે વીજળી પીવાના પાણીના પ્રશ્નો હલ કરતા ગયા. વિસ્તાર ખુબ લાંબો હતો અને અનેક પ્રશ્નો હતા, એમ કરતા કરતા એક ટર્મ પુરી કરી બીજી ટર્મમાં પક્ષે તેમને ટિકિટ ના આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાયડ વિધાનસભાની ચૂંટણી લડ્યા. આખા મત વિસ્તારમાં કોઈને પણ ચા પાણી કે અન્ય કોઈ વ્યવહાર કર્યા વગર મત વિસ્તારમાં પ્રચાર કાર્ય શરુ કર્યું. પગે ચાલીને પોતાનું કર્તવ્ય નિભાવતા રહ્યા અને એવા લોકોના મનમાં વાસી ગયા કે ચૂંટણીની ડિપોઝીટ પણ મતદારોએ ભરી આમ કોઈપણ જાતના ખર્ચ વગર અપક્ષ ઉમેદવાર તરીકે બીજી ટર્મમાં બાયડના ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
ફરી પછી પક્ષે ટિકિટ આપી અને બીજી બે ટર્મ વિજયી બન્યા. આમ ચાર ચાર વખત રામસિંહ સોલંકી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લે 2007 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પ્રજાકીય લોકસેવાના કાર્યો કરી મતદારોના દિલમાં છવાઈ ગયા. તેઓ કુલ 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેમાં ચાર વખત વિજયી બન્યા અને ત્રણ વખત પરાજયનો સામનો કરવો પડ્યો હતો.