Panchmahal: ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ, 33 બનાવટી દસ્તાવેજોની નકલો મળી
પંચમહાલના ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ માર્ગ મકાન વિભાગના બનાવટી સિક્કા અને દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો.
ગોધરા: પંચમહાલના ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ માર્ગ મકાન વિભાગના બનાવટી સિક્કા અને દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા એલસીબી પોલીસે માર્ગ અને મકાન વિભાગના બનાવટી 50 ઉપરાંત સિક્કા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાંથી ઝડપાયેલા ઈસમ પાસેથી યુનિવર્સિટીના 33 બનાવટી દસ્તાવેજોની નકલો પણ મળી આવી છે. બનાવટી દસ્તાવેજો તેમજ સિક્કાનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટરો સરકાર સાથે છેતરપિંડી કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
Gir Somnath: હિરાકોટ બંદર નજીકથી મળ્યા ચરસના 16 પેકેટ, SoG એ શરૂ કરી તપાસ
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે અનુકૂળ હોય તેમ છેલ્લા થોડા મહિનાઓથી મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો મોટો જથ્થો સમયાંતરે પકડાઈ રહ્યો છે. આજે સોમનાથ નજીકના સમુદ્ર કિનારેથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો છે. હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવ્યા છે. એસઓજી ટીમે ચરસ કબ્જે કરી કાર્યવીહી શરૂ કરી છે.
અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટોમાં 301 કિલો ચરસની બજાર કિંમત 4 કરોડ 51 લાખથી વધુ મળી આવી હતી. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન વધુ 16 પેકેટ એટલે કે 16 કિલો ચરસ મળી આવ્યું છે. હાલ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા, ખેડૂતની હાલત કફોડી
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ ગયો છે. તો સારી ક્વોલિટીની ડુંગળી એક મણના ભાવ 150થી લઈને રૂપિયા 300 થયો છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં કોઈ વધઘટ નથી થઈ. બિયારણમાં ભેળસેળ અને વાતાવરણના કારણે આ વર્ષે ડુંગળીના પાક ખૂબ જ નબળો થયો છે. 20 દિવસ બાદ ખરીફ ડુંગળી માર્કેટિંગ યાર્ડમા પહોંચશે.. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ટૂંક સમયમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ઠલવાશે ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.