(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ક્યા વિસ્તારમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ? ખેતરમાં તૈયાર પડેલો માલ બગડી જવાની ચિંતાથી થયા દોડતા....
સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે. પાક તૈયાર થયા બાદ હવે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ર્સજાયેલા ડીપ ડીપ્રેશનને કારણે સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામા આવી છે. તેના કારણે પોરબંદર જીલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
હાલમાં પોરબંદર જિલ્લામાં મગફળીનો તૈયાર પાક ખેતરમાં પડયો છે. આ સંજોગોમાં માવઠાની આગાહી કરવામાં આવતાં બરડા પંથકના ખેડુતોએ મગફળીનો પાક ઉપાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો વરસાદ થશે તો મગફળીનો તૈયાર પાક બગડી જશે અને મહેનત ઉપર પાણી ફરી વળશે. ખેડૂતોને મોંઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જશે. હાલ તહેવારને કારણે મજુર નહી મળતા હોવાના કારણે ખેડૂતોના પરીવારજનો મગફળી મશીનમાં કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે અને બીજી તરફ રવિ પાકની તૈયારી શરૂ કરી દીધી છે. વરસાદ થશે તો રવિ પાકના વાવેતરની તૈયારી મોડી થશે તેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. પોરબંદર જીલ્લામાં 80 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે. પાક તૈયાર થયા બાદ હવે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી-
અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 10 નવેમ્બર સુધી માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલા લઈ ખુલ્લામાં પડેલા પાકને નુકસાની ન થાય તેની તકેદારી રાખવા સ્થાનિક પ્રશાસને ખેડૂતોને સૂચના પણ આપી છે.
નવસારીમાં વરસાદ
માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. બીલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે ડાંગર સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.
હવામાન વિભાગે સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પડી શકે છે હળવા ઝાપટાં.
ઠંડીની આગાહી
કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું પણ જોર વધી રહ્યું છે. દિવસે દિવસે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે રવિવારે 11 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો નલિયામાં પણ ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ડિસામાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વલસાડમાં ઠંડીનો પારો 16.5 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 16.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ]
અમદાવાદમાં ઠંડીનો પારો 17.1 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો સુરેંદ્રનગર ઠંડીનો પારો 17.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ તરફ વલ્લભવિદ્યા નગર અને ભૂજમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો છે. તો રાજકોટમાં ઠંડીનો પારો 19.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોર વધવાની આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે.