Devayat Khavad: દેવાયત ખવડ ફરી જેલમાં! અગાઉ મળેલા જામીન રદ થયા બાદ કોર્ટે નકારી નવી અરજી
હુમલાના આરોપમાં 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલ્યા.

Devayat Khavad bail news: લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર થયેલા હુમલાના કેસમાં તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને અને અન્ય આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ રિમાન્ડ લંબાવવાની માંગને નકારી કાઢી હતી અને સાથે જ તેમની જામીન અરજી પણ નામંજૂર કરી હતી. કોર્ટના આદેશ મુજબ, દેવાયત ખવડ (Devayat Khavad bail news) સહિતના તમામ આરોપીઓને હવે જૂનાગઢ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
તાલાલા કોર્ટનો અંતિમ આદેશ
ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં આરોપી દેવાયત ખવડ અને અન્ય 6 જેટલા શખ્સોને 7 દિવસના રિમાન્ડ બાદ આજે તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આ માંગને સ્વીકારી (court rejects bail Devayat Khavad) ન હતી. આ ઉપરાંત, કોર્ટે આરોપીઓની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે અંતિમ આદેશ આપતા તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
શું હતો હુમલાનો સમગ્ર મામલો?
થોડા દિવસો અગાઉ તાલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ (Devayat Khavad) સહિત કુલ 16 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં, આરોપીઓએ ધ્રુવરાજસિંહની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા જેવી ગાડીઓથી ટક્કર મારી હતી. ત્યારબાદ, લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેવાયત ખવડ પર રિવોલ્વર બતાવી 15 તોલા સોનાનો ચેઇન અને રોકડ રકમ લૂંટવાનો પણ આરોપ છે. આ ઘટના બાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જામીન રદ થવાથી મુશ્કેલી વધી
આ કેસમાં, અગાઉ નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વાંધો ઉઠાવી વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા, વેરાવળ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને કારણે દેવાયત ખવડને ફરી તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું અને હવે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.





















