Gandhinagar: ગુજરાત સરકારની મુશ્કેલીમાં થશે વધારો, આવતીકાલથી આરોગ્યકર્મીઓ ગાંધીનગરમાં કરશે વિરોધ પ્રદર્શન
ગુજરાત સરકારની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, આરોગ્યકર્મીઓ આવતીકાલથી એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, આરોગ્યકર્મીઓ આવતીકાલથી એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ આવતીકાલે વિધાનસભા અને સચિવાલયનો ઘેરાવ કરશે તો 16 તારીખે રેલી કાઢશે. ત્યારબાદ રસ્તા રોકો આંદોલન અને ભૂખ હડતાળ સુધીના કાર્યક્રમ જાહેર કરાયા છે.
આરોગ્યકર્મચારીઓની માંગ છે કે પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે. સાથે જ રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલ નોકરીનો પગાર આપવામાં આવે અને ફેરણી ભથ્થુ આપવામાં આવે.
મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા બાદ તેમના પ્રતિનિધિઓ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ હડતાળ સમેટવાનું એલાન કર્યું હતું. જો કે, બાદમાં પોતાનો નિર્ણય પરત ખેંચી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ પડતર માગને લઇને પૂર્વ સૈનિકો પણ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1ની બહાર ગઈકાલથી પૂર્વ સૈનિકો ધરણાં પર બેઠા છે. અલગ-અલગ 14થી વધુ માગને લઇને પૂર્વ સૈનિકો રેલી સ્વરૂપે ગાંધીનગર પહોચ્યા હતા. આ સમયે એક પૂર્વ સૈનિકનું અવસાન થતા આંદોલન ઉગ્ર બન્યું હતું. આજે બીજા દિવસે કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો તો સચિવાલયના ગેટ બહાર બેરેકેડ્સ લગાવી દેવાયા છે.
હવે રાજ્યમાં એસટી કર્મચારીઓના આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. પડતર પ્રશ્નોને લઇને એસટી વિભાગના કર્મચારીઓએ માસ સીએલની ચીમકી આપી હતી. ST નિગમના કર્મચારીઓએ હુંકાર કર્યો છે કે જો તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 23 તારીખે રાતથી ST બસના પૈડા થંભી જશે. એ પહેલાં ST નિગમના કર્મચારીઓ પ્રતીકાત્મક વિરોધ કરશે. જેમાં 16 તારીખે અધિકારી અને મંત્રીઓને મેસેજ કરી અને સ્ટેટસ રાખી વિરોધ નોંધાવશે. 17 તારીખે કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરશે. 21 તારીખે ઘંટનાદ કરી વિરોધ દર્શાવશે. ત્યારબાદ અંતમાં 23મી તારીખે માસ સીએલ પર ઉતરી જશે.
આ પણ વાંચોઃ
Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ
Goa Politics: ગોવામાં કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો