ગાંધીનગર આતંકી કેસમાં સનસનીખેજ ખુલાસો: ડો. અહેમદ સૈયદ સાઈનાઈડથી પણ ઘાતક ઝેર બનાવી રહ્યો હતો; હૈદરાબાદથી રો-મટીરીયલ જપ્ત
Gandhinagar terror case: ગુજરાત ATS ની કડક પૂછપરછ દરમિયાન, ત્રણેય આતંકીઓ – ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ – ભાંગી પડ્યા હતા અને રડવા લાગ્યા હતા.

Gandhinagar terror case: ગાંધીનગર નજીકથી ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકીઓના મામલે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા આતંકીઓમાંથી હૈદરાબાદનો ડોક્ટર અહેમદ સૈયદ સાઈનાઈડ કરતા પણ વધુ ખતરનાક ઝેર 'રાઈઝિન કેમિકલ' બનાવી રહ્યો હતો. ગુજરાત ATS ની એક ટીમે હૈદરાબાદ ખાતેના તેના નિવાસસ્થાને દરોડો પાડીને આ ઝેરી કેમિકલ બનાવવા માટે વપરાતું રો-મટીરીયલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. વધુમાં, 4 નવેમ્બરે આતંકી ડોક્ટર સૈયદ આ જ ખતરનાક રાઈઝિન કેમિકલ બનાવીને બાય રોડ હૈદરાબાદથી અમદાવાદ સુધી આવ્યો હતો. ATS ની પૂછપરછમાં ત્રણેય આતંકીઓ રડી પડ્યા હતા અને સૈયદે પોતાની સુરક્ષા તથા પોલીસ સામે પ્રતિકાર કરવા માટે હથિયાર રાખ્યા હોવાની કબૂલાત કરી છે.
ATS ની પૂછપરછમાં આતંકીઓ રડી પડ્યા
ગુજરાત ATS ની કડક પૂછપરછ દરમિયાન, ત્રણેય આતંકીઓ – ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ – ભાંગી પડ્યા હતા અને રડવા લાગ્યા હતા. પૂછપરછમાં આતંકી સૈયદે એવી પણ કબૂલાત કરી છે કે તે પોતાની સાથે હથિયાર એટલા માટે રાખતો હતો કે જો પોલીસ પકડવા આવે તો તે પોતાની સુરક્ષા કરી શકે અને પોલીસ સામે પ્રતિકાર કરી શકે. જોકે, જ્યારે ATS ની ટીમે સૈયદને પકડ્યો, ત્યારે તેને આ એક સામાન્ય પોલીસ ચેકિંગ લાગ્યું હતું, જેના કારણે તેને ફાયરિંગ કરવાનો કે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરવાનો મોકો જ મળ્યો નહોતો.
હૈદરાબાદથી અમદાવાદ સુધી 'રાઈઝિન' કેમિકલની સફર
ગુજરાત ATS ની એક ટીમ આતંકી ડોક્ટર અહેમદ સૈયદના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવા માટેના રો-મટીરીયલ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ATS ની ટીમને આતંકી ડોક્ટર સૈયદના ઘરમાંથી ખતરનાક રાઈઝિન કેમિકલ મળી આવ્યું છે, જે સાઈનાઈડ કરતા પણ વધુ ઘાતક માનવામાં આવે છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે 4 નવેમ્બર ના રોજ આતંકી ડોક્ટર સૈયદ આ જ ખતરનાક કેમિકલ બનાવીને બાય રોડ હૈદરાબાદથી અમદાવાદ સુધી લાવ્યો હતો, જે એક મોટા હુમલાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે.
સ્થાનિક સંપર્કો અને રોકાણ અંગે તપાસ તેજ
હાલમાં, ગુજરાત ATS ની ટીમ આ ત્રણેય આતંકીઓ ક્યાં રોકાવાના હતા અને તેઓ ગુજરાતમાં કોને મળવાના હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ATS એ જાણવા માંગે છે કે આ આતંકીઓના સ્થાનિક સંપર્કો કોણ હતા અને તેમનો ચોક્કસ મનસુબો શું હતો. આતંકીઓની કબૂલાત અને મળેલા પુરાવાઓના આધારે આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




















