ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-11 : નગરપાલિકાના પ્રમુખ ધનજી કોટીયાવાલાની સરાજાહેર હત્યાએ પોરબંદરને હચમચાવી નાખ્યું
પોરબંદર નગરપાલિકાના નખશીખ પ્રમાણીક પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલાની સરાજાહેર ગુંડાઓ દ્રારા હત્યા કરી નાંખવામાં આવી હતી.
29 સપ્ટેમ્બર 1976 ના દિવસે દશેરા અને ઈદનો તહેવાર સાથે હતો. સૌ કોઈ માટે ખુશીનો આ તહેવાર પોરબંદરના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે સવારના 11 વાગ્યાના સુમારે નગરપાલિકાના નખશીખ પ્રમાણીક પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલાની સરાજાહેર ગુંડાઓ દ્રારા હત્યા કરી નાંખવામાં આવી હતી.પોરબંદરના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્રભાઈ પારેખ જણાવે છે કે ધનજીભાઈ એટલા પ્રામાણિક હતા તેનો દાખલો એ વાત પરથી મળી આવે છે કે તેમની હત્યા સમયે તેમના ખિસ્સામાં માત્ર સવા પાંચ આના નિકળ્યા હતા.નગરપાલિકાના ચાલુ પ્રમુખ ધનજીભાઈની હત્યાએ શહેર ઉપરાંત ગુજરાતના રાજકારણને હચમચાવી નાંખ્યુ હતુ.પોરબંદરની ગુંડાગીરીના પડધા ગાંધીનગર સુધી પડ્યા હતા. ધનજીભાઈની હત્યા માટે કયાં કારણો જવાબદાર હતા તેના માટે આપણે ભૂતકાળમાં જવુ પડશે.
1974માં નગરપાલિકાના પ્રમુખ તરીકે વસનજી ખેરાજ ઠકરાર વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા તેમણે રાજીનામુ આપવાની ફરજ પડી. ત્યારબાદ પ્રમુખ તરીકે ધનજીભાઈ કોટીયાવાલા ચૂંટાયા હતા. વસનજીભાઈના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ધનજીભાઈ નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે કામગીરી કરતા હતા.ખૂબ આખાબોલા સ્વભાવના ધનજીભાઈ કોઈનુ પણ ખોટુ ચલાવતા નહીં. તેમની કાર્યશૈલી બીજા રાજનેતાઓ કરતા કંઈક અલગ હતી. ગરીબ પરિવારમાંથી આવતા ધનજીભાઈ ખરા અર્થમાં જનનેતા બન્યા હતા.વસનજીના રાજીનામા બાદ ધનજીભાઈએ પોરબંદર નગરપાલિકાનુ સુકાન શું ભાળ્યુ કે તેમની જીંદગીનુ કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ.
પોરબંદરમાં ગેંગસ્ટરોની કનડગત જે પહેલા નહોતી તે વસનજીના પાલિકાના પ્રમુખ પદના રાજીનામા બાદ શરુ થાય છે. ખારવા સમાજના ધનજીભાઈ કોટીયાવાલા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે 1 જુલાઈ 1974ના રોજ ચૂંટાઈ આવ્યા. પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ તેમણે પહેલુ કામ શહેરમાં ફેલાયેલી ગુંડાગીરીની ગંદકીને સાફ કરવાનું બીડુ ઝડપ્યુ. ધનજીભાઈનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ શહેરના વિકાસ કાર્ય અને લોકો માટે સારો હતો. ખૂબ જ પ્રમાણિક રાજનેતા અને વ્યવસાયે વકીલ એવા ધનજીભાઈનું ખારવા સમાજમાં ખૂબ જ મોભાદાર સ્થાન હતુ. ધનજીભાઈ હંમેશા ગરીબોની સેવા અને તેમની મુશ્કેલીઓને પ્રાધાન્ય આપતા. તેઓ જયારે પણ નગરપાલિકાની સામાન્ય સભા મળે ત્યારે લોકોને પડતી હાલાકીને લઈને હંમેશા અવાજ ઉઠાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા કયારેય ખોટુ ચલાવતા નહીં. ધનજીભાઈ કોઈની સાડા બારી રાખે નહીં. ખોટુ કરવાનું નહીં અને ખોટા લોકોને પ્રોત્સાહન આપવુ નહીં તે તેમનો જીવનમંત્ર હતો.નગરપાલિકાના અધિકારીઓને રસ્તા, સફાઈ તેમજ લોકોની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવા કડક સુચના આપવા ઉપરાંત તેની અમલવારી થાય છે કે નહીં તેની ચોકસાઈ પણ જાતે કરતા.
વસનજીના સમયમાં કોન્ટ્રાકટરો જે ખોટુ કામ કરતા તેના પર બ્રેક મારવાનુ કામ ધનજીભાઈએ કર્યુ. વસનજીને ધનજીભાઈની નખશીખ પ્રામાણિક છાપને પગલે તેમને રાજકીય નુકશાન થતુ હોવાનો અંદાજ આવવા લાગે છે.આથી તેઓએ શહેરમાં અસ્તિત્વ ધરાવતી ગેંગનો સહારો લેવાનુ વિચાર્યુ. ખારવાવાડમાં નારણ મેપા અને નારણ સુધા જેવા ગેંગસ્ટરો વચ્ચે મનદુખ ઉભુ કરવામાં સફળતા મેળવે છે. બાદમાં બંને ખારવા ગેંગને સરમણ મુંજા અને તેના મામા કોટડાના રામા ઓડેદરા ઉર્ફે રામા નિરાશ્રીત વચ્ચે મનદુખ અને ઝઘડા ઉભા કરાવે છે. ધનજીભાઈ નગરપાલિકા પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત પોરબંદર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી ત્યારે તમામ સભ્યોની હાજરીમાં ધનજીભાઈએ વસનજીને હવે ખારવા સમાજમાં અંદરો અંદર મનદુખ ઉભા ન કરવાની ચેતવણી આપતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ગેંગસ્ટરોના મોભી ગણાતા વસનજીને આ રીતે ધનજીભાઈે આકરી ઝાટકણી કાઢતા સામાન્ય સભા ટોક ઓફ ધ ટાઉન બની હતી.
ધનજીભાઈનુ જીવન ખૂબ સાદગીભર્યું હતુ અને તેમની કોઈ મહત્વકાંક્ષા નહોતી. આજ કારણ હતુ કે તેઓ ગુંડાઓથી કયારેય ડરતા નહીં. તેમની નખશીખ પ્રામાણિક કાર્યશૈલીના પગલે તેમના અનેક દુશ્મનો ઉભા થયા હતા. આ દુશ્મનોમાં મુખ્ય નગરપાલિકાના કોન્ટ્રાકટર, અધિકારી અને તેમના સાથી સભ્યો ઉપરાંત ગેંગસ્ટરો હતા. ધનજીભાઈની સુરક્ષા માટે પાલિકાએ તે સમયે ખાસ બંધ બોડીની થ્રી-વ્હીલર રીક્ષાની ખરીદી કરી હતી. થ્રી-વ્હીલર રીક્ષામાં બેસી તેઓ ઘરેથી નગરપાલિકા કચેરી તેમજ શહેરમાં અન્ય સ્થળે કામ સબબ જવાનુ હોય ત્યાં જતા હતા.
(દરિયા મહેલ પોરબંદર )
પોરબંદર શહેરમાં ગુંડાઓ વસનજીના ટેકાથી વેપારીઓને ધાક ધમકી આપવા લાગે છે. પ્રમુખ પદેથી હટ્યા બાદ વસનજી ખારવાવાડમાં ચાલતી ગેંગમાં બે ભાગ પાડે છે. ગેંગો વચ્ચે અણબનાવ વધારવામાં વસનજી મહત્વની ભૂમિકા ભજવે છે. ડોન નારણ મેપાના ભાઈ કરશન મેપાની હત્યાને પગલે ખારવાવાડમાં જશુ ગગન શિયાળનો દબદબો વધવા લાગ્યો હતો તેથી વસનજી ધનજી કોટીયાવાલાને પ્રમુખ પદેથી હટાવવા જશુનો ઉપયોગ કરવાનું વિચારે છે. વસનજી જશુ ગગનને નારણ મેપાના ઈશારે ધનજીભાઈ ગુંડાઓ વિરુદ્ધમાં બોલતા હોવાનુ વાતાવરણ ઉભુ કરે છે. બીજી તરફ ધનજીભાઈ પણ નગરપાલિકામાં ઉપપ્રમુખ બન્યા ત્યારે જે રીતે સ્પષ્ટ અને સાચુ બોલવાની છટા ધરાવતા હતા તે છટા અને સ્વભાવ પ્રમુખ બન્યા બાદ વધુ આક્રમક બન્યા. રાજનેતા અને તેમાં પણ વ્યવસાયે વકિલ હોય તેઓ કોઈપણ ગેંગને તાબે થવાનુ નહીં અને તેમના સ્વભાવ મૂજબ શહેરની ગુંડાગીરી વિરુધ્ધ જયારે પણ જરુર પડે તેઓ અવાજ ઉઠાવતા રહેતા. આ હવે તેમની આદત બની ગઈ હતી.
(ધનજીભાઈ કોટીયાવાલા અને જશુ ગગન)
શહેરીજનો અને ખાસ કરીને વેપારીઓમાં ગેંગો દ્રારા થતી કનડગતની ફરિયાદ ઉઠે ત્યારે તેઓ આગળ આવે અને તુરંત સંબંધિત પોલીસ અધિકારી પાસે કડક કાર્યવાહીની રજુઆત કરે અને તેની અમલવારી સરખી રીતે થાય છે કે નહીં તેનુ ધ્યાન પણ રાખતા. પોલીસ અધિકારીઓ પણ ધનજીભાઈના પ્રમુખ ઉપરાંત વકિલના વ્યવસાયથી ખૂબ વાકેફ હતા અને તેથી જો તેમની રજુઆત પર ધ્યાન ન આપવામાં આવે તો સ્થાનિક કોર્ટમાં અરજી કરી ન્યાયની દાદ માંગતા. ગેંગસ્ટર નારણ મેપા, નારણ સુધા,સરમણ મુંજા,મમુમિયાં પંજુમિયાં,જશુ ગગન સહિતના ગુનેગારો પોત પોતાની ધાક કાયમ રાખવા ગેરકાયદેસર ધંધા જેમકે દારુ ,ટિકિટના કાળા બજાર ,જુગાર સહિતની પ્રવૃતિઓ ચાલુ રાખવા માટે પ્રયત્નો કરતા અને ધનજીભાઈ આવી પ્રવૃતિઓને રોકવા માટે લડત આપતા.
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-12 ધનજી કોટીયાવાલાની હત્યા બાદ કઈ રીતે વસનજી ઠકરારની રાજનીતિમાં આવે છે નાટ્યાત્મક વળાંક તેના વિશે વાંચીશું.....