ગુજરાત સરકારનો મોટો નિર્ણય: IAS ની તૈયારી માટે રાજ્યમાં 10 નવા અભ્યાસ કેન્દ્રો ખોલવાની મંજૂરી
યુવાનોને સિવિલ સર્વિસની પરીક્ષા માટે મફત માર્ગદર્શન મળશે; કુલ 1000 બેઠકો પર પ્રવેશ પરીક્ષાના આધારે મળશે એડમિશન.

Gujarat govt IAS study centers: ગુજરાત સરકારે રાજ્યભરના યુવાનોને સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સરકારે 10 શહેરોમાં IAS (ભારતીય વહીવટી સેવા) અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે. આ કેન્દ્રોમાં કુલ 1000 બેઠકો ઉપલબ્ધ હશે અને પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે. આ પગલાથી રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત કોચિંગ મળી રહેશે.
જેમ જેમ IAS જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, તેમ તેમ માર્ગદર્શન અને સંસાધનોની જરૂરિયાત પણ વધી રહી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યની 7 યુનિવર્સિટીઓ અને 3 સરકારી કોલેજોમાં IAS અભ્યાસ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને નાના શહેરોના વિદ્યાર્થીઓને પણ સમાન તકો પૂરી પાડવાનો છે.
પ્રવેશ અને પાત્રતાના માપદંડ
આ અભ્યાસ કેન્દ્રોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ એક સામાન્ય પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા 200 ગુણની હશે, જેમાં સામાન્ય અભ્યાસના પ્રશ્નો પૂછવામાં આવશે. નોંધણી માટેની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે અને અરજી ફી 300 રૂપિયા રાખવામાં આવી છે.
પ્રવેશ માટેના પાત્રતા માપદંડો નીચે મુજબ છે:
- ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ.
- ઉમેદવાર ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- આ કેન્દ્રોમાં કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં, પરંતુ વિદ્યાર્થીઓએ ₹2,500 ની ડિપોઝિટ જમા કરાવવાની રહેશે, જે 75% થી વધુ હાજરીના કિસ્સામાં પરત કરી શકાશે.
બેઠકોનું વિતરણ અને અનામત
દરેક અભ્યાસ કેન્દ્રમાં 100 બેઠકો ઉપલબ્ધ હશે, જે રાજ્યભરમાં કુલ 1000 બેઠકો બનાવશે. પ્રવેશ પરીક્ષાના પરિણામોના આધારે મેરિટ યાદીઓ તૈયાર કરવામાં આવશે. દિવ્યાંગ (વિકલાંગ) ઉમેદવારો માટે 3% બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારી નિયમો અનુસાર છૂટછાટ પણ મળશે.
મંજૂર થયેલા અભ્યાસ કેન્દ્રોની યાદી
ગુજરાત સરકાર દ્વારા નીચેના 10 સ્થળોએ IAS અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે:
- ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા (સરકારી પોલીટેકનિક ખાતે) - પંચમહાલ
- સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
- કચ્છ યુનિવર્સિટી, ભુજ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
- જૂનાગઢ યુનિવર્સિટી, જૂનાગઢ
- ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
- ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
- એમ.એન. કોલેજ, વિસનગર
- સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગર





















