ખેડૂતો માટે સારા સમાચારઃ આ વર્ષે થોડા દિવસ વહેલું શરૂ થશે ચોમાસુ, જાણો કેટલો વરસાદ પડશે
સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારમા કરતા વહેલુ આગમન કરી શકે છે.
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં આગામી 27 મેથી બે જુન વચ્ચે જ્યારે ગુજરાતમાં 15થી 20 જુનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. ગયા વર્ષે રાજ્યમાં 21 જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસુ થોડા દિવસ વહેલુ શરૂ થઈ શકે છે. ગયા વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ અંદામાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૂ કરી દીધુ છે. આગામી 27 મેથી બે જુનની વચ્ચે નૈઋત્યના ચોમાસાની કેરળમાં પ્રારંભ થઈ શકે છે. અંદામાનના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર 22 મેથી સર્જાવવાનું શરૂ કરશે. તે 24 મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ શકે છે.
આગામી 26 મે સવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ દિશાથી ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારમા કરતા વહેલુ આગમન કરી શકે છે. સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને ચોમાસાની ગતિવિધીમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.
હવામાન વિભાગે આ વર્ષે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વર્ષે અલનીનોની કે પછી લા નીનોની અસર નહીંવત રહેશે. હવામાન વિભાગના અનુસાર આ વર્ષનું ચોમાસુ સામાન્ય રહેશે અને સાતે જ જૂન અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ રહેવાની શક્યતા જાહેર કરી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 3 વર્ષમાં 2 વાર ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે કહ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 96-98 ટકા વરસાદ રહેશે અને આ પછી 104 ટકા સુધી વરસાદ પહોંચે તેવી શક્યતા રખાઈ રહી છે.