કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન, 12 કલાકમાં બદલ્યો સૂર
પહેલા જનતા સાથે દિલના બંધનની વાત, પછી વાવ ચૂંટણીમાં થયેલા કરારનો કર્યો દાવો, કોંગ્રેસે નિવેદનને ગણાવ્યું બેજવાબદાર.

Gopal Italia Congress alliance: ગુજરાતમાં આગામી પેટાચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધનની શક્યતાઓ પર અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે 12 કલાકમાં જ પોતાના નિવેદનને લઈને યુ-ટર્ન લીધો છે.
રવિવારે ગોપાલ ઇટાલિયાએ જનતા સાથે દિલના બંધનનો દાવો કર્યો હતો, જે તેમના પક્ષ દ્વારા એકલા ચૂંટણી લડવાના સંકેત માનવામાં આવતો હતો. જો કે, તેના બીજા જ દિવસે એટલે કે સોમવારે તેમણે પત્રકારોને સંબોધતા પોતાના સૂર બદલ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વાવ વિધાનસભાની પેટાચૂંટણી સમયે કોંગ્રેસ સાથે નક્કી થયું હતું કે વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે. તેમણે વધુમાં કહ્યું કે વાવ બેઠક પર અમે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો અને હવે તેમને વિશ્વાસ છે કે વિસાવદર બેઠક પર કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે.
આમ આદમી પાર્ટીના આ નિવેદન પર પ્રદેશ કોંગ્રેસે તુરંત જ વળતો જવાબ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ બેજવાબદારીભર્યા નિવેદનો કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો સહારો પણ લેવો છે અને પછી કોંગ્રેસ પર ખોટા આરોપો પણ લગાવવા છે તે યોગ્ય નથી. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરની પેટાચૂંટણી સમયે પ્રદેશ કોંગ્રેસ ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. તેમણે ગોપાલ ઇટાલિયાના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાની નથી.
ઉલ્લેખનીય છે કે વિસાવદરની બેઠકને લઈને રાજકારણ તેજ બન્યું છે. ગઠબંધનને લઈને કોંગ્રેસ અને AAP વચ્ચે ચાલી રહેલી ગૂંચવણ હજુ પણ યથાવત છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાના બદલાયેલા સૂરથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે બંને પક્ષો વચ્ચે ખરેખર કોઈ સમજૂતી થઈ છે કે કેમ. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વળતા જવાબથી પણ ગઠબંધનની શક્યતાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થયું છે. હવે જોવાનું એ રહે છે કે વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP એકસાથે આવે છે કે પછી બંને પક્ષો સામસામે ચૂંટણી લડે છે. કોંગ્રેસ દ્વારા યોગ્ય સમયે લેવામાં આવનારો નિર્ણય આ દિશામાં મહત્વનો સાબિત થશે.





















