તેલના ભાવમાં વધારો, એક સપ્તાહમાં સિંગતેલના ભાવ ડબ્બે 40 રુપિયા વધી ગયા
સિંગતેલ સહિતના ખાદ્યતેલોમાં ભાવ વધી રહ્યા છે. બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે.

અમદાવાદ: સિંગતેલ સહિતના ખાદ્યતેલોમાં ભાવ વધી રહ્યા છે. બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 40નો વધારો થયો છે. તેલ મિલરોના જણાવ્યા પ્રમાણે સિંગતેલની સાથે સાથે સોયાબીન, સનફ્લાવર અને પામ તેલમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોય રાજ્યમાં મુખ્યત્વે સિંગતેલ ખાવાનું ચલણ વધારે છે. સનફલાવર તેલનો વપરાશ પણ વધી રહ્યો છે.
મગફળીની આવક ઘટતા એક સપ્તાહમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40 નો વધારો થયો છે. સોયાબીન તેલમાં રૂપિયા 50 સનફ્લાવરમાં રૂપિયા 20 અને પામતેલમાં રૂપિયા 50 વધ્યા છે. સિઝન પૂરી થવા ઉપર હોય તેલ મિલોને કાચો માલ મળતો નથી. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે.
સિંગતેલના ભાવમાં સતત વધારો
સામાન્ય લોકો પર સતત મોંઘવારીનો માર વધી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી જ ખાદ્યતેલમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. એક સપ્તાહ પહેલા જ 70 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2024ની શરૂઆતથી અનુમાન પ્રમાણે સિંગતેલના ભાવમાં અંદાજે છઠ્ઠી વખત વધારો થયો છે. હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.
આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધુ થશે.
સાતમ આઠમના તહેવાર તથા લગ્નપ્રસંગોની શરૂઆત થતાની સાથે જ ફરીને ભાવ ઉંચકાશે તેમ માનવામા આવી રહ્યું છે. હાલ તો સિંગતેલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 40નો વધારો થયો છે.





















