Gujarat Assembly Election 2022: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે
એક ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકોમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેના આધારે એક ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકોમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચિત્ર અંશતઃ સ્પષ્ટ થઈ જશે. ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે પહોંચી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે શુક્રવાર સુધીમાં કુલ 324 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં પ્રથમ તબક્કાના 316 અને બીજા તબક્કાના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે. શનિવારે અને રવિવારે રજાને પગલે ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહી હતી. ત્યારે ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ છે. અને 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 17 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. આમ 17 નવેમ્બરે સાંજ સુધીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પ્રથમ તબક્કામાં સુરતમાંથી સૌથી વધુ 16, રાજકોટમાંથી આઠ, ભાવનગરમાંથી સાત, જ્યારે કચ્છમાંથી છ બેઠકો છે.. ત્યારે આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે બાકી રહેલા તમામ ઉમેદવારો આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે.
બોટાદ બેઠક પરથી કોગ્રેસે ઉમેદવાર બદલ્યા
મનહર પટેલની નારાજગી બાદ અંતે કૉંગ્રેસે બોટાદ બેઠકથી ઉમેદવાર બદલ્યા હતા. બોટાદ બેઠક પરથી રમેશ મેરના સ્થાને કૉંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. ગઈકાલે રમેશ મેરનું નામ જાહેર થતા મનહર પટેલ નારાજ થયા હતા અને અશોક ગહલોત સાથે મુલાકાત કરી હતી અને ટિકિટ વહેચણીને લઈ ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. પ્રદેશ કૉંગ્રેસે મનહર પટેલને મનાવવા બે ઉપપ્રમુખને જવાબદારી પણ સોંપાઈ હતી. મનહર પટેલને ટિકિટ મળ્યા બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે
વઢવાણ બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર
વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલતાં બ્રહ્મસમાજ અને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપતા રોષ ફેલાયો હતો. બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મસમાજ તેમજ જૈન સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી.
ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલવામાં આવતા આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આગામી દિવસોમાં ભાજપમાંથી હોદેદારોના રાજીનામા પડવાની શક્યતાઓ છે.