ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ તૈયાર! 1090 જિલ્લા પંચાયત સીટ માટે ઘડ્યો જબરદસ્ત પ્લાન
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે એક વિશેષ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરવામાં આવ્યો છે.

Gujarat Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષની આગામી રણનીતિ જાહેર કરતા જણાવ્યું છે કે, નવા વર્ષની શરૂઆત સાથે જ એટલે કે 1લી જાન્યુઆરીથી રાજ્યભરમાં ભવ્ય 'મહાજનસંપર્ક અભિયાન' (Mega Public Outreach Campaign) શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા ધરખમ ફેરફારો અને નવા પ્રદેશ માળખાની જાહેરાત પણ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કરી દેવામાં આવશે.
1 જાન્યુઆરીથી 'મહાજનસંપર્ક અભિયાન' નો પ્રારંભ
ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે એક વિશેષ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરવામાં આવ્યો છે. અમિત ચાવડાના જણાવ્યા મુજબ, નવા વર્ષના પ્રથમ દિવસથી જ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહોંચશે. અહીં 'જનસંવાદ' (Public Dialogue) કાર્યક્રમો યોજીને ગ્રામીણ સ્તરે લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે અને સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રજાના સૂચનોથી બનશે 'જનતાનો મેનિફેસ્ટો' અને વિઝન ડોક્યુમેન્ટ
આ વખતે કોંગ્રેસે પોતાની પરંપરાગત રીત બદલીને પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો (Manifesto) તૈયાર કરવા માટે સામાન્ય જનતાનો મત લેવામાં આવશે. રાજ્યના 17 જેટલા મહાનગરોમાં 'કોંગ્રેસ આપના દ્વાર' (Congress at Your Doorstep) અભિયાન અંતર્ગત ઘરે-ઘરે જઈને લોકોને કેવું શહેર જોઈએ છે, તે અંગેના સૂચનો માંગવામાં આવશે. સફાઈ, ગટર, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લોકોના અભિપ્રાય લીધા બાદ જ 'વિઝન ડોક્યુમેન્ટ' (Vision Document) તૈયાર કરવામાં આવશે.
જાન્યુઆરીના અંત સુધીમાં નવા પ્રદેશ માળખાની જાહેરાત
સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ દ્વારા 'સંગઠન સૃજન અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રમુખોની નિમણૂક કર્યા બાદ હવે પ્રદેશ કક્ષાના માળખામાં મોટા ફેરફારો તોળાઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે બાકી રહેલી મહત્વની નિમણૂકો અને પ્રદેશ સંગઠનનું નવું લિસ્ટ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
ભાજપ સામે 'જનઆક્રોશ પદયાત્રા' અને ભ્રષ્ટાચાર સામે લડત
શહેરી વિસ્તારોમાં શાસક પક્ષ ભાજપ (BJP) સામે મોરચો માંડવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર (Corruption) અને ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે વોર્ડ દીઠ 'જન મંચ' કાર્યક્રમો યોજાશે. તંત્રની બેદરકારીથી પીડિત લોકોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા 'જનઆક્રોશ પદયાત્રા' (Public Outcry March) યોજવામાં આવશે, જેથી નાગરિકોના ટેક્સના પૈસાનો વેડફાટ અટકાવી શકાય અને તેમનો અવાજ બુલંદ કરી શકાય.





















