ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? કોંગ્રેસના ક્યા ટોચના નેતા હેરાન કરતા હોવાનો કર્યો આક્ષેપ ?
નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. આદિવાસી નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.
નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. આદિવાસી નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રભારી રઘુ શર્મા પણ તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધુસૂદન મિસ્ત્રીના કારણે અશ્વિન કોટવાલ નારાજ છે. 2022ની ચૂંટણીમાં મિસ્ત્રીના ઈશારે હેરાન થવાની તેમને આશંકા છે.
રાહુલ ગાંધી સુધી પહોંચ્યો મામલો
મધુસૂદન મિસ્ત્રી દ્વારા હેરાનગતિ ન થાય તેવી રાહુલ ગાંધી ગેરંટી આપે તેવી કોટવાળની માંગ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. લોકપ્રિયતા હોવા છતા 2017માં ટિકિટ માટે કોટવાળને હેરાન થવું પડ્યું હતું. મધુસુદન મિસ્ત્રી તરફથી હેરાનગતિ અટકવાનું નક્કર વચન હાઈકમાંડ નહીં આપે તો કોટવાલ કોંગ્રેસ છોતે તેવી શક્યતા છે. રઘુ શર્માના પ્રયાસો નિષ્ફળ રહેતા મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ કોટવાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે નવા સંગઠન માળખાની કરી હતી જાહેરાત
ગુજરાત કોંગ્રેસે ગુરુવારે તેના સંગઠનની યાદી જાહેર કરી હતી. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ હતી. ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષે તમામ જિલ્લા અને નગરોમાં પાયા મજબૂત કરવા હોય તેમ જથ્થાબંધ ઉપપ્રમુખો, મહામંત્રીઓની નિમણુંક કરી દીધી છે.
કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા પ્રદેશ સંગઠન માળખાનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 75 મંત્રી તથા 25 ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના અર્ધો ડઝન આગેવાનોએ પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક નિમણુંક કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ જમ્બો સંગઠન ઘડવામાં આવ્યું છે. જ્ઞાતિવાદી ફેક્ટરથી માંડીને તમામ ક્ષેત્રો-જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે તેની તકેદારી રાખવામાં આવી છે. જો કે, એક નેતાએ એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે, પાર્ટીદ્વારા સંગઠનમાં હોય તેને વિધાનસભાની ટીકીટ નહીં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રદેશ સંગઠનમાં 100 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે તે સંજોગોમાં સંગઠનમાં નામ ધરાવતા આગેવાનોની ચૂંટણી ટીકીટ મેળવવાની ઇચ્છા પર પાણી ફરે વળે તેવી શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. આ મામલે સંગઠનમાં સ્થાન પામેલા હોદેદારોમાં ગણગણાટ શરુ થયો છે.