Corona Cases Spike: કોરોનાનું સંક્રમણ અટકાવવા રૂપાણી સરકારે કયા કયા IAS અધિકારીઓને સોંપી જવાબદારી ?
Gujarat Corona Update: કોરોનાના સંક્રમણને નિયંત્રમાં રાખવા તેમજ જિલ્લા વહિવટી તંત્રને જરૃરી માર્ગદર્શન પૂરું પાડવા વિવિધ જિલ્લાઓમાં આઇ.એ.એસ. અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી બેકાબૂ બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા ત્રીજા સર્વોચ્ચ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૭,૦૦૯ થઇ ગયો છે અને આ પૈકી ૧૭,૧૨૦ કેસ માર્ચ મહિનાના ૨૧ દિવસમાં જ નોંધાયા છે. કોરોનાના સંક્રમણને નિયંત્રમાં રાખવા તેમજ જિલ્લા વહિવટી તંત્રને જરૃરી માર્ગદર્શન પૂરું પાડવા વિવિધ જિલ્લાઓમાં આઇ.એ.એસ. અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકના ભાગરૃપે અમદાવાદની કામગીરી ડો. રાજીવકુમાર ગુપ્તાને સોંપવામાં આવી છે. અગાઉ ગત વર્ષે મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થવાને પગલે પણ ડો. આર.કે. ગુપ્તાને અમદાવાદની કામગીરી સોંપવામાં આવી હતી. ડો. એ.કે. રાકેશ અમદાવાદ જિલ્લાના મ્યુનિ. કોર્પોરેશન સિવાયના અન્ય તમામ વિસ્તારોની કામગીરી સંભાળશે. બીજી તરફ ડો. વિનોદ રાવને વડોદરા-છોટા ઉદેપુર, ડો. રાહુલ ગુપ્તા રાજકોટ, સુનયના તોમરને ગાંધીનગર, એમ. થેન્નારસનને સુરત, સોનલ મિશ્રાને ભાવનગર જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ કમિશનર બનાસકાંઠામાં કામગીરી સંભાળશે.
આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી એ.એમ. સોલંકીને અમરેલી, શાહમીના હુસેનને ભરૃચ, મનીષ ભારદ્વાજને જુનાગઢ, મમતા વર્માને પાટણ, રાજેશ માંજુને પંચમહાલ, રૃપવંત સિંહને મોડાસા-અરવલ્લી, સંજીવ કુમારને બોટાદ, ડી.જી. પટેલને પોરબંદર-ગીર સોમનાથ, એન.બી. ઉપાધ્યાયને જામનગર, એસ.જે. હૈદરને નર્મદા, ધનંજય દ્વિવેદીને મહેસાણા, મોહમ્મદ શાહીદને ખેડા, અવંતિકા સિંહને આણંદની કામગીરી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન થશે ? જાણો શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ.....
રાશિફળ 22 માર્ચ: આજે આ રાશિના જાતકો રહેજો સતર્ક, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ