ખેડૂતોને પાક સહાય મુદ્દે સૌથી મોટા સમાચાર, ક્યાં સુધીમાં ખેડૂતોને મળી જશે સહાય, કૃષિ મંત્રીની મોટી જાહેરાત
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટીથી ખેતિમાં થયેલા નુકસાનની સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાઘવજી પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન જાહેરાત કરી હતી કે, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે. આ ઉપરાંત તેમણે ખાતરના ભાવ વધારા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફર્ટિલાઇઝરમાં ભાવ વધારાની કોઈ જાણકારી નથી. અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. નુકસાનનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆત મળી છે. તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે એ માટે સહાય ચૂકવવામાં વિલંબ થયો.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCOએ ભાવ વધારો કર્યો છે. ખાતરની પ્રતિ બેગ 265નો ધરખમ વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો, જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો છે. આ સાથે પ્રતિ બેગ ઉપર 265 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
એ જ રીતે IFFCO નપક 12/32/16નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જેનો વધી 1450 રૂપિયા થયો, જેમાં પણ 265 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનો દાવો છે કે, હાલ કોઈ ભાવ વધારો નહિ. ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારોનો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતમાં સત્વરે ભાવ વધારો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર સબસીડી વધારે તેવી માંગ પણ કરવામાં આવી છે.