Gujarat MSP Purchase: ખેડૂતો માટે ખુશખબર! 24 નવેમ્બરથી ડાંગર, બાજરી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ભાવ અને નિયમો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતલક્ષી નિર્ણય: 31 જાન્યુઆરી, 2026 સુધી રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર વેચાણ કરી શકાશે, જાણો પ્રતિ હેક્ટર મર્યાદા.

ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે (MSP) પાક ખરીદવાનો નિર્ણય લીધો છે. આગામી સોમવાર, 24 નવેમ્બરથી રાજ્યભરમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં વરસાદી નુકસાન સામે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા માટે આ સંવેદનશીલ પગલું ભર્યું છે. આ ખરીદી પ્રક્રિયા 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.
ખેડૂતો પાસેથી સીધી ખરીદી: ક્યાં અને કેટલી?
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર, સોમવારથી શરૂ થતી આ ઝુંબેશ માટે રાજ્યભરમાં પાક મુજબ અલગ-અલગ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડાંગર માટે 113, બાજરી માટે 150, મકાઈ માટે 82, જુવાર માટે 50 અને રાગી માટે 19 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે.
પ્રતિ હેક્ટર ખરીદીની મર્યાદા: સરકારે નોંધણી થયેલા ખેડૂતો પાસેથી જથ્થો ખરીદવા માટે હેક્ટર દીઠ મર્યાદા પણ નક્કી કરી છે, જે નીચે મુજબ છે:
મકાઈ: પ્રતિ હેક્ટર 1864 કિલોગ્રામ
બાજરી: પ્રતિ હેક્ટર 1848 કિલોગ્રામ
જુવાર: પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ
ડાંગર: પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ
રાગી: પ્રતિ હેક્ટર 903 કિલોગ્રામ
જાણો શું રહેશે ટેકાના ભાવ (MSP)?
ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવે જ આ ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઠ જાહેર કરાયેલા ભાવ નીચે મુજબ છે:
રાગી: ₹5186
જુવાર (માલદંડી): ₹4049
જુવાર (હાઇબ્રીડ): ₹3999
બાજરી: ₹3075
મકાઈ: ₹2400
ડાંગર: ₹2369 અને ₹2389 (ગ્રેડ મુજબ)
ગરીબ કલ્યાણ અને ખેડૂત હિતનો સંગમ
સરકારના આ નિર્ણય પાછળ બેવડો હેતુ રહેલો છે. એક તરફ ખેડૂતોને તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળશે, તો બીજી તરફ આ ખરીદાયેલો જથ્થો ગરીબ કલ્યાણ માટે વપરાશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અનાજને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અને NFSA હેઠળ આવરી લેવાયેલા રાજ્યના 74 લાખ પરિવારોના 3.60 કરોડ નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ પણ મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતા ખેડૂત અને ગરીબ હિતલક્ષી ગણાવ્યો છે.





















