Breaking News: એક જ દિવસમાં સરકારનો બીજો મોટો નિર્ણય, રાજ્યમાં મનપાની સંખ્યા 8થી વધારીને થશે 17
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપ્યા બાદ બીજો એક નિર્ણય લીધો છે. જેમાં મનપાની સંખ્યા 8થી વધારીને 17 કરાશે.
Breaking News: રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 8થી વધારીને 17 કરવાનો નિર્ણય લેવાશે, 9 નગરપાલિકાઓને મહાપાલિકામાં ફેરવવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, પોરબંદર,વાપી,આણંદ, મહેસાણા, નવસારી, નડિયાદ અને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે બપોર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.પોરબંદરને મહાપાલિકાનો દરજ્જાના નિર્ણયને અર્જુન મોઢવાડિયાએ આવકાર્યો છે.
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છે. બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાની કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી હતી. બનાસકાંઠાના જિલ્લા વિભાજનને લઈ મુખ્યમંત્રી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં.
બનાસકાંઠા જિલ્લા વિભાજનનું સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે. નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ સાંજ સુધીમાં જાહેર કરાશે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે. બનાસકાંઠાને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહે કહ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે સરકારના નિર્ણયને વધાવ્યો હતો. થરાદને હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી ગુલાબસિંહે માંગ કરી હતી. થરાદ સેન્ટર પોઈંટ હોવાથી હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. થરાદ મોટુ સેન્ટર હોવાથી તેની પસંદગી કરવામાં આવે તો લોકોને સરળતા રહેશે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતુ કે જિલ્લાની સાથોસાથ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે. તાલુકાના વિભાજન મુદ્દે મે અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કાંકરેજમાં 98 ગામ વચ્ચે માત્ર એક જ તાલુકા મથક છે.
ત્રણ નવા જિલ્લા બનાવવાની તૈયારી વચ્ચે 1 જિલ્લાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જાહેરાત કરાશે. નવા જિલ્લાની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે. સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે.