રાજ્યમાં પ્રચંડ ગરમી, સૌરાષ્ટ્ર-કચ્છ 44 ડિગ્રી સાથે બન્યું અગનભઠ્ઠી, આજે ક્યાં છે ઓરેન્જ અને રેડ એલર્ટ ?
Gujarat Heat Wave: ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ પ્રચંડ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં ફરી એકવાર અગનવર્ષા વરસી રહી છે

Gujarat Heat Wave: ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં હીટવેવની ચેતવણી આપી છે. રાજ્યમાં પ્રચંડ ગરમીમાં સોમવારે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે પણ અનેક શહેરોમાં ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ પ્રચંડ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં ફરી એકવાર અગનવર્ષા વરસી રહી છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, પ્રચંડ ગરમી સૌરાષ્ટ્ર અને કચ્છ અગનભઠ્ઠીમાં શેકાયું છે, ગઇકાલે સોમવારે 44.2 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. આ ઉપરાંત ગુજરાતમાં સુરેંદ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ, અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે પણ કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, જ્યારે જૂનાગઢ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભીષણ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની રહ્યાં છે, અસહ્ય તાપના ટોર્ચરથી બચવા બપોરના સમયે લોકો ઘરમાં જ પૂરાઈ રહીને સમય વીતાવી રહ્યાં છે.
અમદાવાદ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે એટલે કે આઠમી તારીખે કચ્છ જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે ભાવનગર અને કચ્છમાં રાત્રે ગરમ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
આવતીકાલે એટલે કે નવમી તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દસમી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.





















