(Source: ECI/ABP News/ABP Majha)
GUJARAT : કોસ્ટલ સિક્યુરિટીના જવાનોની નોકરી અંગે હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો સમગ્ર વિગત
હાઇકોર્ટના આ આદેશ બાદ રાજ્યના દરિયામાં પેટ્રોલિંગ કરતી 30 બોટના જવાનોને કાયમી નોકરીના હકક અને લાભ મળશે.
GUJARAT : ગુજરાતના કોસ્ટલ એરિયામાં કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી અંગે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી કાયમી ગણાશે એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ રાજ્યના દરિયામાં પેટ્રોલિંગ કરતી 30 બોટના જવાનોને કાયમી નોકરીના હકક અને લાભ મળશે. મુંબઈમાં 26-11 ના રોજ બનેલી આતંકી ઘટના બાદ દેશભરમાં કોસ્ટલ સિક્યુરિટીની ફોર્સ ઊભી કરાઇ હતી. દેશના અન્ય રાજ્યમાં ફરજ બજાવતા જવાનોને કાયમી નોકરીનો લાભ મળતો હતો, પણ ગુજરાતના જવાનો અત્યાર સુધી હંગામી ગણાતા હતા.
નરેશ પટેલે કોંગ્રેસ કે આપ નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી. તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસો પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે, ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
યુવકે સગર્ભા બહેન-બનેવીની કરી નાંખી હત્યા, કોર્ટે ફટકારી ફાંસીની સજા
વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી. બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.