Gujarat Lockdown: ગુજરાતમાં લોકડાઉનના ભણકારા, આજે થશે ફેંસલો
રાજય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગઈકાલે 61 પાનાનું સોગંદનામું કર્યુ હતું. જેમાં લોકડાઉન અંગે સરકારે દાવો કર્યો કે, રાજ્યમાં વિકેંડ કફ્યૂ અને લોકડાઉન (Lockdown) અંગે રાજ્ય સરકારનો કોઈ વિચાર નથી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Cases) ભયંકર રીતે વધી ગયું છે. દેશની જેમ રાજ્યમાં પણ કોરોનાના કેસ બેફામ ગતિએ વધી રહ્યા છે. કોરોના (Coronavirus)ની કથળેલી સ્થિતિ મુદ્દે કોર્ટે સુઓમોટો લીધેલી અરજીમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગઈકાલે 61 પાનાનું સોગંદનામું કર્યુ હતું. જેમાં લોકડાઉન અંગે સરકારે દાવો કર્યો કે, રાજ્યમાં વિકેંડ કફ્યૂ અને લોકડાઉન (Lockdown) અંગે રાજ્ય સરકારનો કોઈ વિચાર નથી.
રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર બે દિવસ પહેલા સુનાવણી કરી હતી. આ અંગે વધુ સુનાવણી આજે કરવામાં આવશે. ગુજરાતમાં લોકડાઉન લાદવું કે નહીં તે મુદ્દે હવે આજે જ નિર્ણય લેવાશે.
સોગંદનામામાં શું કહ્યું
રાજ્ય સરકારે દાવો કર્યો કે, રાજ્યમાં બેડની કોઈ અછત નથી. અમદાવાદની 142 હોસ્પિટલમાં 6 હજાર 283 બેડ ઉપલબ્ધ છે. ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માં 20 ટકા રિઝર્વ કરેલા બેડના નાણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવશે. તો 900 બેડની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં ઉભી કરાશે.
રેમડેસિવિર (Remdesivir) ઈન્જેક્શન મુદ્દે રાજ્ય સરકારે જવાબ આપ્યો કે, ઇન્જેક્શનની માંગ ઘટતા ઉત્પાદન ઘટાડયું હતું. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઇન્જેક્શનનો જથ્થો પાંચથી દસ ટકા જેટલો જ ઉત્પાદિત થતો હતો. ઉત્પાદકોના ઉત્પાદન વધારવા માટે તેમજ કેન્દ્ર સરકારને પણ હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે. તો ઇન્જેક્શનના ભાવ ઘટાડવા માટે પણ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ એજંસીને સરકારે રજૂઆત કરી છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.