(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોસ્ટ મૂકનારા કેટલા પોલીસો સામે થઈ કાર્યવાહી એ જાણીને લાગશે આંચકો, 3 પોલીસને બદલી કરી ક્યાં મૂકી દેવાયા ?
પોલીસ કર્મચારી ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ રાજ્ય સરકારે પ્રશ્નોનાના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરી હતી.
અમદાવાદઃ પોલીસ કર્મચારી ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલનમાં સક્રિયતા બતાવનારા કુલ 571 પોલીસ કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં થયેલી ફરિયાદની સંખ્યા પણ 19 પર પહોંચી છે. દરમિયાનમાં ગ્રેડ પેને સમર્થન આપનાર ત્રણ પોલીસની બદલી કરી દેવાઈ છે. એક મહિલા સહિત ત્રણ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. જેમની બદલી કરવામાં આવી છે તેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી , બોડકદેવ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મી અને સોલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની બદલી કરવામાં .આવી છે. આ તમામની કે. કંપની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે.
પોલીસ કર્મચારી ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ રાજ્ય સરકારે પ્રશ્નોનાના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરી હતી. સરકારે પોલીસોન તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે, કોઇ પણ પોલીસ કર્મચારી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચના છતાં હજુ પણ કેટલાંક પોલીસ કર્મચારીઓ સોશિયલ મિડીયા પર ગ્રેડ પે મામલે પ્રશ્નો ઉઠાવતા હોવાની જાણ થતાં તેમની સામે પગલાં લેવાયાં છે. અત્યાર સુધીમાં 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. આ સંદર્ભમાં થયેલી ફરિયાદની સંખ્યા 19 પર પહોંચી છે.
ગુજરાતમાં થોડા દિવસ પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પેની જૂની માંગણી સંદર્ભમાં આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનના ત્રણ દિવસ બાદ રાજ્ય સરકારે પોલીસ પરિવાર સાથે મિટીંગ કરીને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપીને પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સમયે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલીસ કર્મીઓને ખાસ તાકીદ કરી હતી કે આંદોલનના પ્રશ્નોના નિરાકરણ ખાતરી બાદ પોલીસ કર્મચારીઓ જો સોશિયલ મિડીયાની મદદથી કે અન્ય કોઇ પણ રીતે આંદોલન ચલાવશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પછી પોલીસ કર્મચારીઓના સોશિયલ મિડીયા પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તેમાં બહાર આવ્યું હતું કે હજુ પણ રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓ વોટ્સએપના વિવિધ ગુ્રપમાં કે અન્ય રીતે ગ્રેડ પેના આંદોલન સંદર્ભની પોસ્ટ મૂકી રહ્યા છે.