Gujarat Politics: દાહોદ કોંગ્રેસમાં ભડકો, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું
હાલ દાહોદ શહેરના એક જૂથ દ્વારા તેમનો વારંવાર વિરોધ કરવામાં આવતો હતો.
Gujarat Politics: દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો છે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ ના આંતરીક વિખવાદને પગલે રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રાજીનામું મોક્લ્યું છે.
રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી દાહોદ શહેર પ્રમુખ તરીકને સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કર્યુ છે. સેવાદળમાં પણ મારી સેવાઓ આપી છે. કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ સારું કર્યો હતો. તેમાં પ્રદેશ કક્ષાએ અનેક તાલીમો પણ આપી છે. પક્ષમાં 1981થ પાયાના કાર્યકર તરીકે કામગીરી કરું છું. વર્તમાન સમયમાં દાહોદ શહેરના એક જૂથ દ્વારા મારો વારંવાર વિરોધ થતો હોવા છતાં 28-02-2024ના રોજ દાહોદ ખાતે રાખેલા કાર્યક્રમમાં મને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી કાર્યક્રમના સંચાલનની કામગીરી સોંપવામાં આવી તે મેં મારી સુજબુજ અને કુનેહથી સારી રીતે પાર પાડ્યો હતો. તેમ છતાં અમુક કાર્યકરોએ અમારા નામ કેમ લીધા નહીં તેમ કહી અપમાન થાય તેવી ભાષામાં વર્તન કર્યુ હતું. આવું વર્તન હું વારંવાર સહન કરી શકું તેમ નથી. જેથી હું મારા કોંગ્રેસના પદ પર રહેવા માંગતો નથી. જેથી હું રાજીનામું આપું છું.
એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતા. આગેવાનોએ પક્ષમાં ગેરશિસ્ત તેમજ તેમજ જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાણ રાઠવાએ પક્ષમાં ચાલી રહેલી ગેરશિસ્ત તેમજ સંગઠનમાં પકડનો અભાવ જોતા પક્ષમાંથી તાત્કાલિક રાજીનામું આપીને પોતાના સમર્થકો સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે. પૂર્વ કેન્દ્રિય રાજ્ય મંત્રી નારણ રાઠવા તેમજ તેઓના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ સિંહ રાઠવા તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પણ કોંગ્રસમાંથી રાજીનામું આપીને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા જ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે.