આગામી 3 કલાકમાં વડોદરા, આણંદ સહિત 9 જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat weather today: હવામાન વિભાગનું 'નાવકાસ્ટ' જાહેર; રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા.

Gujarat rain forecast today: ગુજરાતમાં મેઘરાજાની ગતિવિધિઓ સતત જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક (સાંજના 7 વાગ્યાથી લઈને) માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતું 'નાવકાસ્ટ' (તાત્કાલિક આગાહી) જાહેર કરવામાં આવ્યું છે.
મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં સામાન્ય ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે, જેથી સ્થાનિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
હળવા વરસાદની આગાહી
ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.
ભારે વરસાદની આગાહી અને એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો માટે રાજ્યમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે તંત્રને અને નાગરિકોને સાવચેત રહેવા સૂચવે છે. આ ઉપરાંત, બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવે છે.
અમદાવાદ શહેરમાં પણ આજે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.





















