Gujarat Rain : અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય, આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
અમદાવાદઃ હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 3 દિવસ ગુજરાત મા ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટના પણ ભારે વરસાદની આગાહી છે. 12 ઓગસ્ટના રોજ બનસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, મહીસાગર માં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.
સાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી. તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.