રાજ્યની 40 શહેર-જિલ્લાની સ્કૂલોમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ, ધોરણ 1માં પ્રવેશ માટે 13 કેટેગરીને મળશે અગ્રતા
રાજ્યની 40 જિલ્લાની 93,527 સીટ માટે ધોરણ 1માં મફત પ્રવેશ, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને અગ્રતા ધરાવતી 13 કેટેગરી.

RTE admission 2025: ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાના હેતુથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 12 માર્ચ, 2025 સુધી ચાલશે. આ યોજના હેઠળ રાજ્યના 40 શહેર અને જિલ્લાઓની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં કુલ 93,527 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વાલીઓ RTE ની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
આ યોજનાનો લાભ રાજ્યના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવીને લઈ શકશે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખ નિયત કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં કુલ 13 કેટેગરીને અગ્રતા આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની યાદી 27 માર્ચ, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાના કેસો સામે આવતા, અમદાવાદમાં 197 અને સુરતમાં 108 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા.
મહાનગરોમાં RTE હેઠળ બેઠકોની વિગત
અમદાવાદ: શહેર વિસ્તારમાં 14,778 અને જિલ્લા વિસ્તારમાં 2,262 બેઠકો ઉપલબ્ધ છે. ભૂતકાળમાં અમદાવાદમાં વધુ આવક હોવા છતાં ઓછી આવકના દાખલા રજૂ કરીને પ્રવેશ મેળવનાર 197 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હતા.
સુરત: શહેરની 994 શાળાઓમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારની 388 શાળાઓમાં 3,913 બેઠકો છે. સુરતમાં ગત વર્ષે શહેર વિસ્તારમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ બેઠકો હતી. અત્રે ખોટા દસ્તાવેજોથી પ્રવેશ મેળવનાર 108 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. RTE નિયમો મુજબ, લઘુમતી શાળાઓ આ પ્રક્રિયામાં સામેલ થશે નહીં અને સુરત શહેરની 9 તેમજ ગ્રામ્ય વિસ્તારની 2 શાળાઓ RTE પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં.
વડોદરા: શહેરમાં 333 શાળાઓમાં કુલ 4,800 બેઠકો પર પ્રવેશ અપાશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1500 બેઠકોનો વધારો થયો છે. અંદાજિત 10 હજાર વાલીઓ દર વર્ષે અરજી કરે છે, પરંતુ મર્યાદિત બેઠકોને લીધે આશરે 50 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે.
રાજકોટ: શહેર અને જિલ્લામાં કુલ 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ RTE હેઠળ પ્રવેશ મેળવી શકશે. ગત વર્ષે 804 શાળાઓમાં 4,487 બેઠકો હતી. આ વર્ષે શાળાની સંખ્યામાં 117 અને બેઠકોમાં 2,153 નો વધારો થયો છે. રાજકોટ શહેરમાં 592 શાળાઓમાં 4,453 બેઠકો અને જિલ્લા પંચાયત હસ્તકના તાલુકા વિસ્તારોમાં 329 શાળાઓમાં 2,187 બેઠકો ઉપલબ્ધ છે.
ગત વર્ષે ઉંમરના નિયમના કારણે પ્રવેશ સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2023-24 થી ગુજરાત સરકારે નિયમ કર્યો હતો કે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો જ ધોરણ 1 માં પ્રવેશ માટે પાત્ર ગણાશે, જેના કારણે પ્રવેશ સંખ્યામાં ઘટાડો થયો હતો અને RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી.
ઓનલાઈન ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા
RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરતી વખતે, 1 જૂન, 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો જ ધોરણ 1 માં પ્રવેશ માટે યોગ્ય છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત), ઇન્કમટેક્ષ રીટર્ન (જો લાગુ હોય તો), અને આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જેવા અસલ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.
RTE પ્રવેશમાં અગ્રતા ધરાવતી 13 કેટેગરી
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- બાલગૃહના બાળકો
- બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
- મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) મુજબના દિવ્યાંગ બાળકો
- (ART) એન્ટિ રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો
- જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- 0 થી 20 આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો
આ પણ વાંચો...
ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈ મોટા સમાચાર: જૂના શિક્ષકો માટે ભરતી પસંદગી સમિતિની લીધો આ મોટો નિર્ણય





















