(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ટોચના પાટીદાર આગેવાને પોતાની કંપનીમાં લગાવ્યું સ્વૈચ્છિક લોકડાઉન, પોતે પણ થયા છે કોરોના સંક્રમિત
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને ફરી એકવાર મોટા પ્રમાણમાં કેસો નોંધાઈ રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને અનેક સામાજિક અગ્રણીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના (Coronavirus) સતત વધી રહેલા કેસોના કારણે લોકડાઉન (Lockdown) લાદવાની માગ વધી રહી છે. ઘણાં ઠેકાણે લોકડાઉન લદાઈ રહ્યું છે ત્યારે લેઉઆ પાટીદારોની સંસ્થા ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Naresh Patel)એ પોતાની કંપનીમાં સ્વેચ્છાએ લોક્ડાઉન જાહેર કર્યુ છે.
કોરોના નુ સંક્રમણ વધતાં નરેશ પટેલ અને તેના પુત્ર શિવરાજ પટેલે આ નિર્ણય લીધો છે અને સ્થિતી ના સુધરે ત્યાં સુધી કંપની બંધ રાખવાની જાહેરાત કરી છે કે જેથી કર્મચારીઓ અને કામદારોને ચેપ ના લાગે. નરેસ પટેલ અને શિવરાજ પટેલે 450 જેટલા કર્મચારીઓ ધરાવતી આ કંપનીમાં સ્વૈચ્છીક લોકડાઉન કરતાં બીજા લોકો પણ તેમને અનુસરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને ફરી એકવાર મોટા પ્રમાણમાં કેસો નોંધાઈ રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને અનેક સામાજિક અગ્રણીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. એક અઠવાડિયા પહેલા પાટીદાર નેતા નરેશ પટેલ (Naresh Patel) અને તેના પત્ની કોરોના સંક્રમિત થયા હતા. નરેશ પટેલ અને તેમના પત્નીની તબિયત સુધારા પર હોવાની જાહેરાત કરીને તેમના પુત્ર શિવરાજ પટેલે ગયા અઠવાડિયે જ સૌ કોઇનો આભાર માન્યો છે.
તેમના પુત્ર શિવરાજ પટેલે (Shivraj Patel) બધાનો આભાર માનતા જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા મારા પપ્પા નરેશભાઈ પટેલ અને મમ્મી શાલિનબેન પટેલને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું હતું. આપ સૌની દુઆથી અને પરમ કૃપાળુ મહાદેવ અને ખોડીયાર માતાજીની દયાથી એ બંને ડોક્ટરના કહેવા અનુસાર રિકવરીના મોડ ઉપર છે. તબિયત સુધારા ઉપર છે. સમાજના તમામ લોકોનો આભાર માનુ છું. તેમણે મારા પિતાની તબિયતની ચિંતા કરી છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.