(Source: ECI | ABP NEWS)
ગુજરાતનું વિશ્વ ગૌરવ! સહકાર વિભાગે 1 કરોડ 11 લાખથી વધુ પોસ્ટકાર્ડ સાથે બનાવ્યો 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ'! સ્વિટ્ઝર્લેન્ડનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Gujarat Guinness World Record: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યભરના નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભાર વ્યક્ત કરતાં 1 કરોડ 11 લાખ 75 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા, જેના કારણે તેને ઑક્ટોબર 14, 2025 ના રોજ "Guinness World Records Recognition for Largest Postcard Numbers" એટલે કે વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. અગાઉ આ રેકોર્ડ સ્વિટ્ઝર્લેન્ડની એજન્સી પાસે માત્ર 6,666 પોસ્ટકાર્ડનો હતો, જે ગુજરાતે તોડીને દેશ અને રાજ્યનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. આ અભિયાનમાં GST સુધારા, મેક ઇન ઈન્ડિયા, જનધન યોજના જેવા અનેક નાગરિકલક્ષી કાર્યો માટે આભાર વ્યક્ત કરાયો હતો.
રેકોર્ડની વિગતો: અભૂતપૂર્વ સંખ્યામાં પોસ્ટકાર્ડ લેખન
ગુજરાતના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ આભાર લેખન અભિયાન આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે શરૂ થયું હતું.
- કુલ પોસ્ટકાર્ડની સંખ્યા: રાજ્યના નાગરિકોએ મળીને કુલ 1,11,75,000 થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા હતા.
- અભિયાનના મુખ્ય વિષયો: નાગરિકોએ મુખ્યત્વે GST સુધારા, મેક ઇન ઈન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના (નાણાકીય સમાવેશીકરણ), અને બુલેટ ટ્રેનની શરૂઆત જેવા વિવિધ નાગરિકલક્ષી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે જણાવ્યું હતું કે, શરૂઆતમાં 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાવાનો અંદાજ હતો, પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દર્શાવીને આ આંકડાને ક્યાંય પાછળ છોડી દીધો.
ગુજરાતે તોડ્યો સ્વિટ્ઝર્લેન્ડનો રેકોર્ડ
આ સિદ્ધિએ ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે પ્રસ્થાપિત કર્યું છે. આ રેકોર્ડની ખાસિયત નીચે મુજબ છે:
- વિશ્વમાં પ્રથમવાર: વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે.
- અગાઉનો રેકોર્ડ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ડેટા મુજબ, આ પહેલા પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ માત્ર 6,666 પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) (સ્વિટ્ઝર્લેન્ડ) પાસે હતો. ગુજરાતે આ આંકડાને હજારો ગણો વટાવીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે.
આ રેકોર્ડની સત્તાવાર નોંધણી માટે સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લંડન સાથે કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર 350×80 ફૂટ ના વિસ્તારમાં 75,00,000 નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેના માટે 50થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કર્મચારીઓએ સતત 3-4 દિવસ સુધી જહેમત ઉઠાવી હતી. આ સિદ્ધિ સહકાર વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2021 માં સહકાર મંત્રાલયની શરૂઆત કરવાના દૂરંદેશી નિર્ણયને સમર્પિત છે, જે 'સહકારથી સમૃદ્ધિ' ના મંત્ર હેઠળ કાર્યરત છે.




















