છત્રી કાઢી રાખજો! આગામી બે દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, આજે 14 તાલુકામાં માવઠું પડ્યું
સોમવારે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ સહિત ૧૪ તાલુકામાં માવઠું પડ્યું; આગામી ૧૩-૧૪ મે દરમિયાન ૩૦થી વધુ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; અમરેલીમાં સતત વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન.

Gujarat unseasonal rain forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણનો દોર યથાવત્ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસી રહ્યો છે, ત્યારે સોમવારે (૧૨ મે, ૨૦૨૫) પણ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ, એટલે કે ૧૩ અને ૧૪ મે, ૨૦૨૫ દરમિયાન પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા મળેલી માહિતી અનુસાર, સોમવારે સાંજના ૬ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૧૪ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લાઓ મુખ્યત્વે પ્રભાવિત થયા હતા. ખાસ કરીને અમરેલી પંથકમાં સતત ત્રણ ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું છે. રાજકોટના જામકંડોરાણા, તાપીના કુકરમુંડા, જૂનાગઢના મેંદરડા, અમરેલીના ધારી, જામનગરના જામજોધપુર, તાપીના નીઝર સહિતના ૧૩ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો, જ્યારે અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ૧.૪૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આગામી બે દિવસની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ બે દિવસ એટલે કે ૧૩ અને ૧૪ મે દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ દરમિયાન ૪૦ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડવાની શક્યતા છે. આ વરસાદથી કચ્છ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જેવા કુલ ૩૦ થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ અણધાર્યા વરસાદને કારણે ઉનાળુ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોની હાલત વધુ કફોડી બની શકે છે.





















