Gujarat Weather Update: આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે માવઠું, જાણો હવામાન વિભાગની આગાહી
Weather Update: હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદી પડવાની શક્યતા છે.
Gujarat Weather Update: રાજ્યમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાનું અનુમાન છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે ગીર સોમનાથના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદ ખાબકવાની આશંકાથી ખેડૂતો ભયભીત છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદી પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેશે. તા. 5, 6 અને 7 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં 2 થી 3 ડીગ્રી ઘટાડો થયો છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ દિલ્હી, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, હરિયાણામાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં વરસાદની સાથે કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આસામ, મણિપુર અને મેઘાલયમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે નાગાલેન્ડની સાથે સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બુધવાર 5 એપ્રિલ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે. આના કારણે 5મી એપ્રિલે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. 4 એપ્રિલે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો હતો.
સિક્કિમમાં બરફના તોફાનના કારણે પ્રવાસીઓ પણ ફસાયા
સિક્કિમમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત હિમવર્ષા થઈ રહી છે. બરફના તોફાનના કારણે સિક્કિમ આવેલા પ્રવાસીઓ પણ ફસાયા છે. ત્સોમગો સરોવર અને નાથુ લા સહિત સિક્કિમના ઊંચા વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિક્કિમ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડા સાથે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે.
IMDએ રાજધાની ગંગટોક, મંગન અને પાક્યોંગ માટે 4 અને 5 એપ્રિલે યલો વેધર એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે સિક્કિમમાં વર્તમાન હવામાનને કારણે રાજધાની ગંગટોકના પર્યટન સ્થળ ત્સોંગમો તળાવમાં હિમપ્રપાત થયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જોકે 23 પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. પરંતુ હજુ પણ 20 થી 30 પ્રવાસીઓ બરફમાં દટાયા હોવાની આશંકા છે.
વરસાદે પાકને નુકસાન કર્યું
દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડવાની સંભાવના છે. ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં વરસાદથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. વરસાદના કારણે ખેતરોમાં લહેરાતા ઘઉંના પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. જો કે 5 એપ્રિલ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે.