ગુજરાતમાં મોનસૂન સિસ્ટમ ફરી સક્રિય, જાણો આગામી કેટલા દિવસ રાજ્યમાં પડશે વરસાદ
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક રાજ્યોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકામાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક રાજ્યોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકા વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં મેઘ મહેર થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. વરસાદના કારણે પાણીની આવક થતાં મેઘરજના વેડી ડેમમાં 500 ક્યૂસેક પાણી છોડાતા ખેડૂતોને રાહત મળી છે. હવામાન વિભાગે હજું 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અરવલ્લી પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ધોધ સક્રિય થયા છે. વહેતા ધોધના કારણે અદભૂત કુદરતી નજારો સર્જાયો છે. તો બીજી તરફ માજુમ નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ઝેરિયા વાડા, મહુડી પાસેની નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. સતત ભારે વરસાદના કારણે વાત્રક ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.
સૌરાષ્ટ્રમાં મેઘ મહેર
ઉપરવાસમાં વરસાદના કારણે આજી ડેમ 3માં નવા નીરની આવક થઇ છે. આજી ડેમ 3 ના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે.
નવસારીમાં શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ અહીં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા જમાલપોર, ઈટાળવા ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થતાં અને વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદ વરસતાં વિઝીબિલિટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
યાત્રાધામ અંબાજી પર પણ મેઘરાજા મેહરબાન થયા છે. આજે ફરી અંબાજી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અંબાજીના મુખ્ય બજારોના રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા.બનાસકાંઠાના દાંતામા વરસાદી માહોલ યથાવત રહ્યો. અહીં દાંતામાં અડધા કલાકમા 1 ઇંચ વરસાદ પડતા અહીં સિઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે.