ગુજરાતમાં ફરી વકર્યો કોરોના, નોંધાયા 700થી વધુ કેસ, CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ચાર મહાનગરના મ્યુનિ. કમિશનર સાથે કરી વાત
રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આજે ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં કુલ નવા 715 કેસ નવા નોંધાયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ 4 મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે ફરી એકવાર સંક્રમિતોની સંખ્યા 700ને પાર થઇ ગઇ છે. આજે રાજ્યમાં 715 નવા કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમણથી 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં 495 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે ગયા છે.
સુરતમાં આજે કોરોનાના 196 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત વડોદરાથી નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 145 કેસ, વડોદરામાં 117, રાજકોટમાં 69 નવા કેસ નોંધાયા છે.
કોરોનાથી અમદાવાદ અને સુરતમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો ભાવનગરમાં 20, ગાંધીનગરમાં 18, જામનગરમાં 9 કેસ અને પાટણમાં 8-8 અને સાબરકાંઠામાં નવા 6 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરતા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોર કમિટીની બેઠકમાં કોરોના મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક દરમિયાન વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી અને સંબંધિત શહેરોની સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, કમિશનર શ્રી જય પ્રકાશ શિવ હરે ,હારિત શુક્લા વગેરે વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.