Gujarat : ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
ગાંધીનગર: ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામન વિભાગે આગાહી કરી છે તે અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે.રાજ્યના 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે.
આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત રાજ્યના ભાગોમાં હવે બપોરના સમયે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ આગામી પાંચ દિવસના હવામાનની આગાહીમાં વ્યક્ત કરી છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના તાપમાન અંગે વાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, વરસાદ થવાની સંભાવનાઓ નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બન્ને દરિયાકાંઠે પવનો ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની શક્યતાઓ છે. જેની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તાપમાન વધવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે .