Heatwave: સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી કાળઝાળ ગરમીમાં શેકાવા માટે રહો તૈયાર, સાત શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન
Heatwaves: હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
Heatwaves: રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી પડશે. સાત શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે સૌથી વધુ રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે. રાજકોટમાં 26 અને 27 માર્ચના હિટવેવ રહેશે. રવિવારે રાજકોટમાં 39.2 ડિગ્રી સાતે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. રાજકોટનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધ્યું રહ્યું હતું. હવે આગામી 26 અને 27 માર્ચે મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચે તેવી પૂરી શક્યતા છે. તો અમરેલી, ડીસા, વડોદરા,ભુજ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત અને ગાંધીનગરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે.
હોળીમાં પશ્ચિમના પવનોને લઈ આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી હતી. ગાંધીનગરમાં હોલીકા દહનમાં દર્શન બાદ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમા અંબાલાલે કહ્યું હતું કે હોળીમાં પશ્ચિમના પવનો હોવાના કારણે આ વર્ષે ઑક્ટોબર મહિના સુધી ચોમાસું સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહેશે. તો ચોમાસાની શરુઆત આંધી અને વંટોળની સાથે થશે.
હવામાનની પેટર્નમાં ફરી એકવાર બદલાવ આવ્યો છે. રવિવારે પંજાબ, બિહારથી લઈને પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના પેટા હિમાલયના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો અને ભારે વરસાદ થયો હતો અને પશ્ચિમ હિમાલયના પ્રદેશો એટલે કે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ હતી. પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ હજુ બે દિવસ ચાલુ રહેશે. 26 માર્ચથી પશ્ચિમ હિમાલયના પ્રદેશો અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.