(Source: ECI/ABP News/ABP Majha)
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો છે.
ભુજ: કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે વરસેલા મુશળધાર વરસાદના કારણે ભુજના જ્યુબેલી સર્કલ, હોસ્પિટલ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ,સ્ટેશન રોડ, વી.ડી. હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા હતા. શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા, વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી.
જૂના બસ સ્ટેશન પાસેના રોડ પર દર ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. તાલુકા પંચાયત કચેરીમાં પણ પાણી ભરાયા હતા. ઉપરવાસમાં વરસાદના કારણે હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. ભુજ તાલુકાના ગામોમાં વરસાદના કારણે મોટા બંધમાં પાણીની આવક થઈ રહી છે. મોટા બંધનું પાણી હમીરસર તળાવમાં એકઠુ થાય છે. વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસી રહેલા વરસાદના કારણે અનેક તાલુકામાં નદીમાં નવા નીરની આવક થઈ છે. કચ્છના ભુજમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ
જામનગર શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, તીનબતી વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. જામનગર શહેરના સર્કિટ ગ્રાઉન્ડ જાણે તળાવ બની ગયું હોય તેમ અહીં ગોઠણ સમા પાણી ભરાયા છે. પાર્કિંગમાં રહેલા વાહનોના પૈડા પાણીમાં ગરકાવ થયા છે.
જામનગર શહેરનો પટેલ વાડી વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો છે. કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોએ ઘરનો સામાન ઉપર ખસેડી દીધો છે. આવા જ દ્રશ્યો રામેશ્વનગર વિસ્તારમાં જોવા મળ્યા છે. અહીં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. સરકારી વસાહતમાં તો સીઝનમાં બીજીવાર પાણી ભરાયા છે. અહીં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના આવાસો આવેલા છે. ધોધમાર વરસાદને લઈને જયશ્રી સિનેમાં પાસેના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંચેશ્વર ટાવર પાસે પણ પાણી ભરાયા છે. મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી હોવાથી અહીં દર વર્ષે પાણી ભરાય છે.