આગામી પાંચ દિવસ અત્યંત ભારે વરસાદ પડશે, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું.
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર:
- આગામી ત્રણ દિવસ અત્યંત ભારેથી ભારે વરસાદ ચાલુ રહેશે
- ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હાલમાં, રાજ્યમાં સર્ક્યુલેશન સિસ્ટમ અને ઑફશોર ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદની સંભાવના વધી છે.
આજે આ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:
દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી
ઓરેન્જ અલર્ટ: રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર
આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે.
પ્રાદેશિક વરસાદની સ્થિતિ:
- સૌરાષ્ટ્રમાં સીઝનનો 38% વધુ વરસાદ થયો છે
- ઉત્તર ગુજરાતમાં હાલ 20થી 59% વરસાદની ઘટ નોંધાઈ છે
નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો તો જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ, જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો, વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઇ ગયા. ગુજરાતમાં 24 કલાકમાં 99 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જાણીએ..
છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં નોંધાયો વરસાદ
- દ્વારકામાં વરસ્યો સાડા છ ઈંચ
- દ્વારકાના કલ્યાણપુરમાં પોણો ઈંચ
- જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ
- જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઈંચ
- જૂનાગઢના વંથલીમાં પોણા ચાર ઈંચ
- જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ
- જૂનાગઢના માળીયા હાટીનામાં પોણા બે ઈંચ
- પાટણ વેરાવળમાં પોણા પાંચ ઈંચ
- ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ
- વલસાડના વાપીમાં સવા બે ઈંચ
- વલસાડના પારડીમાં પોણા બે ઈંચ
- વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ
- પોરબંદરના રાણાવાવમાં સવા ઈંચ
- રાજકોટના ઉપલેટામાં સવા ઈંચ
- પોરબંદર તાલુકામાં સવા ઈંચ
- બોટાદના બરવાળામાં એક ઈંચ
- નવસારીના ચીખલીમાં એક ઈંચ
- નવસારીના ગણદેવીમાં એક ઈંચ
- મોરબીના ટંકારામાં એક ઈંચ
- ભાવનગરના મહુવામાં પોણો ઈંચ
- ભાવનગર તાલુકામાં અડધો ઈંચ
- બોટાદના રાણપુરમાં અડધો ઈંચ
- સોમનાથના સુત્રાપાડામાં અડધો ઈંચ
શનિવારે સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે અનેક ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના ભય વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.