માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ, કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. માળીયા નજીક કામનાથ મહાદેવ તરફનો રસ્તો બંધ થયો હતો. કોઝવે પર વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવાયા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ પણ કોઝવેની મુલાકાત કરી હતી.
માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સવારના 6 થી 8 વચ્ચે અઢી ઇંચ અને 8 થી 10 વચ્ચે દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી તબાહીથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે. મુખ્ય રસ્તાઓ પર પુલ બનાવવા સ્થાનિકોની જોરદાર માગ છે. ભાટ સિમરોલી, સુલતાનપૂર, રુદલપુર, માનખેત્રા, વલ્લભનગર સહિત ગામ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 11 ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાયું છે. ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં કૂલ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં તો 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.





















