Navsari Rain : નવસારી જિલ્લામાં મેઘતાંડવ, ભારે વરસાદથી તારાજીની સ્થિતિ સર્જાઈ
સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અવિરત વરસી રહેલો વરસાદ હવે આફત સર્જી રહ્યો છે.

નવસારી: સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અવિરત વરસી રહેલો વરસાદ હવે આફત સર્જી રહ્યો છે. શહેરના વિજલપોર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અવિરત વરસાદથી તારાજીની સ્થિતિ સર્જાઈ
નવસારીમાં અવિરત વરસાદથી તારાજીની સ્થિતિ સર્જાઈ છે. શહેરના વીજલપોર વિસ્તારમાં સંભાજી નગરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. 10 વર્ષથી વરસાદી ગટરનું સમાધાન ન થતા ચોમાસામાં થોડા વરસાદમાં પણ સંભાજીનગરમાં પાણી ભરાય છે. લોકોની દુકાન અને ઘરોમાં પાણી ભરાતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક ધારાસભ્યએ સમસ્યાનો સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યું હોવા છતાં આજ દિન સુધી સમાધાન ન થતા લોકોમાં રોષ છે. ડ્રેનેજની યોગ્ય સફાઈ થાય અને સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી સ્થાનિકોની માંગ છે.
વિઠ્ઠલ મંદિર નજીક ગણપતિના પંડાલ પણ પાણી આવતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
વિજલપોર દાંડી હેરિટેજ માર્ગ પર પાણી ભરાયા છે. અનેક વાહન ચાલકોને દાંડી તરફ જવાની નોબત આવી હતી. શાળાની બસ સહિત અનેક વાહનો પાણી ભરાયા હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.
મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ
જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે. મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.
રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી
એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.





















