Rajkot Rain: રાજકોટ શહેર અને લોધીકા ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.

રાજકોટ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ શહેરના ગોંડલ રોડ,ઢેબર રોડ, યાજ્ઞિક રોડ રેસકોસ રીંગરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાંચ દિવસના વિરામ બાદ ફરી રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
રાજકોટ ગ્રામ્યમાં જામ્યો વરસાદી માહોલ
લોધિકા, પડધરી અને રાજકોટ તાલુકાના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ,મગફળી,કઠોળ સહિતના પાકમાં ફાયદો થશે. રાજકોટ જિલ્લાના ખીરસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
લોધીકા, પડધરી તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. રાજકોટ લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા, મેટોડા, બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે બફારો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ફાયદો થશે. સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.





















