Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, લાખણીમાં ધોધમાર વરસાદ
સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. બનાસકાંઠાના લાખણીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા: સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. બનાસકાંઠાના લાખણીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા લાખણીના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લાખણીના આસપાસના ગેળા, ગણતા, જસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સાડા નવ ઈંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે લાખણી તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સાડા 16 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
ધાનેરામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધાનેરાના શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદનું આગમન થયું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ગઈકાલે પણ ધાનેરા પંથકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ફરી એકવાર ધોધમાર વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
લાખણીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો છે. લાખણીના જસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાખણીથી જસરા જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. નિચાણવાળી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યાછે.
આજે આ જિલ્લામાં વરસશે ભુકકા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે. જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રણ સિસ્ટમ સક્રિય
સોમવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે. આ કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.