Guarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

Gujarat Rain Alert : ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ કાલે પણ રાજ્યમાં ભારે વરસાદ પડશે.
બુધવારે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ કાલે, ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ મેઘરાજાનો પ્રચંડ પ્રહાર નક્કી છે. રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ
ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ભાવનગર, બોટાદ અને અમરેલીમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે રજૂ કરેલા તાજા આંકડા પ્રમાણે, આજે બપોર સુધી 116 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમા સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 5.24 ઇંચ પડ્યો છે, આ ઉપરાંત ઉમરાળામાં 4 ઇંચ અને ચૂડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે 6થી સાંજના 6 કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે 36 વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા.




















