Amreli Rain: અમરેલીના વડીયા અને કુંકાવાવમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુર
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડીયા, કુંકાવાવ શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડીયા, કુંકાવાવ શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં દિવસ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. કુંકાવાવ,બાવળ બરવાળા,બાટવા દેવળી, અરજણસુખ,નાજાપુર,સૂર્યપ્રતાપગઢ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમરેલીના નાજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું છે. મેઘમહેરને લઈ નદીનાળાઓ છલકાયા છે. બાવળ બરવાળા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. સૂર્યપ્રતાપગઢ ગામનો ચેકડેમ ફરી છલકાયો છે. કુકાવાવમાં મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે.
અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમરેલી જિલ્લાના ધારી પંથકના જર, મોરજર, ખીચા, સરસિયા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે.
આ તારીખથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટીંગ
ગાંધીનગર: ગુજરાતમાં 3 દિવસ મેઘરાજા વિરામ લેશે. 6 જુલાઈથી મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે. ત્રણ દિવસ બાદ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. જો કે આજે સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. 6 જુલાઈના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.