અમરેલી-રાજકોટના ગામડાઓમાં ધોધમાર વરસાદ, લીલીયાની નાવલી નદીમાં આવ્યું પુર
લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમરેલી: લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયામાં ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી બજારમાં ફરી વળ્યા છે તો આ તરફ નાના ભમોદ્રા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીના માહોલ છે.
સાવરકુંડલા ઉપરાંત લીલીયા તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 40.53 ટકા, અમરેલી શહેરમાં 62.45 ટકા, બાબરામાં 53.12 ટકા, બગસરામાં 25.14 ટકા, ધારીમાં 35.27 ટકા, જાફરાબાદમાં 28.64 ટકા, ખાંભામાં 35.64 ટકા, લાઠીમાં 33.54 ટકા, લીલીયામાં 56.31 ટકા, રાજુલામાં 38.64 ટકા, સાવરકુંડલામાં 49.84 ટકા વડિયામાં 27.62 ટકા વરસાદ વરસ્યો છે.
ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટા ખુટવાડા, બોરડી, કીકરિયા સહિતના ગામોમાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહુવાની માલણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. ભાવનગરમાં અત્યાર સુધી સિઝનનો 38.05 ટકા વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં 66.26 ટકા, ઘોઘામાં 35.37 ટકા, જેસરમાં 25 ટકા, મહુવામાં 48.12 ટકા, પાલીતાણામાં 47.80 ટકા, શિહોરમાં 21.76 ટકા, તળાજામાં 25.70 ટકા,વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
તો આ તરફ આગાહી વચ્ચે જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.