હવામાન વિભાગની આગાહી વચ્ચે જાણો ક્યા ક્યા પડ્યો વરસાદ ?
રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ, વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે.
કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાપર તાલુકાના નિલપર અને આસપાસના ગામડાઓમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારે પવન સાથેના વરસાદના કારણે લાઈટના થાંભલા ધરાશાયી થતા વિજળી ગૂલ થઈ છે. ભચાઉના ખારોઈ, ચોબારી, કણખોઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોઘમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરુ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.
મોરબીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ચીખલી ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર 48 સહિત તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે.
ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે.