Jamnagar Rain: જામનગર શહેરમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
જામનગર શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જામનગર: જામનગર શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, તીનબતી વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. જામનગર શહેરના સર્કિટ ગ્રાઉન્ડ જાણે તળાવ બની ગયું હોય તેમ અહીં ગોઠણ સમા પાણી ભરાયા છે. પાર્કિંગમાં રહેલા વાહનોના પૈડા પાણીમાં ગરકાવ થયા છે.
જામનગર શહેરનો પટેલ વાડી વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો છે. કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોએ ઘરનો સામાન ઉપર ખસેડી દીધો છે. આવા જ દ્રશ્યો રામેશ્વનગર વિસ્તારમાં જોવા મળ્યા છે. અહીં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. સરકારી વસાહતમાં તો સીઝનમાં બીજીવાર પાણી ભરાયા છે. અહીં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના આવાસો આવેલા છે. ધોધમાર વરસાદને લઈને જયશ્રી સિનેમાં પાસેના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંચેશ્વર ટાવર પાસે પણ પાણી ભરાયા છે. મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી હોવાથી અહીં દર વર્ષે પાણી ભરાય છે.
ધોધમાર વરસાદના કારણે સત્યનારાયણ મંદિરની દીવાલ ધરાશાયી થઈ છે. વીજ પોલ રસ્તા પર પડતા, રસ્તો બંધ કરવો પડ્યો હતો. જામનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાનો વોડીસાગ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા 10થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. કાલાવડ તાલુકાના રણુંજા, દેવપુર, હરિપર, ખંઢેરા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે.
કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યાના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા ,પાટણ , મહેસાણા , સાબરકાંઠા , સુરત , જૂનાગઢ , ગીર સોમનાથ અને દિવ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લી , અમદાવાદ , ગાંધીનગર , ખેડા , આણંદ , પંચમહાલ , વડોદરા , ભરૂચ , નવસારી , વલસાડ અને તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી અને મોરબીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના ડૉ મનોરમા મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.