Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, નડિયાદમાં ચાર ઈંચથી વધુ વરસાદ
ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, વસો પાણી-પાણી થયા છે.
ખેડા: ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, વસો પાણી-પાણી થયા છે. મહેમદાવાદમાં 2 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. બપોરના 4 વાગ્યા સુધીમાં મહુધા, ગળતેશ્વર અને વસો તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે નડિયાદ શહેરના નીચાણવાળા તમામ વિસ્તાર જળબંબાકાર થયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા 4 ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. રબારીવાડ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે. ચોમાસામાં પાણી ભરાતા દર્દીઓ અને તેના પરિજનોને હાલાકી પડી છે. પ્રથમ વરસાદમાં જ નડિયાદ પાલિકાની પ્રિમોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે.
વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી રસ્તા પાણીમાં ગરકાવ રહ્યા હતા. લાખો રૂપિયાનો ખર્ચ કરી પાણી ઉલેચવા માટે પંપ તો લાવવામાં આવ્યા પણ તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. મહીસાગર નદીના કાંઠે આવેલા આ ગામમાં વરસાદ વરસતા જ ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ક્યાં આપ્યું યલો અને ઓરેન્જ એલર્ટ ?
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં પણ આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.