4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા અમરેલીના લીલીયા શહેરમાં જળબંબાકાર
અમરેલીના લીલીયા શહેરમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. લીલીયામાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું છે.
અમરેલી: અમરેલીના લીલીયા શહેરમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. લીલીયામાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ધારીમાં આવેલો ખોડિયાર ડેમ હાઈએલર્ટ પર મુકાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના લીલીયામાં ખાબક્યો છે. લીલીયામાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ છે. વલસાડ શહેરમાં સવા ચાર, ભાવનગરના મહુવામાં સાડા ત્રણ, અમરેલી શહેરમાં ત્રણ અને વાપી, ઉમરગામ સહિતના તાલુકામાં નોંધાયા 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.42 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે. 2 તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો દક્ષિણ ગુજરાતમાં 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. મધ્યપ્રદેશની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં તેની અસર વર્તાશે.
રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.