Gujarat Rain : કાલે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. વધુ એક વખત ગુજરાતને મેઘરાજા ધમરોળશે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે મંગળવારે દાહોદ, પંચમહાલ, આણંદ,વડોદરા,છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ સિવાય અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 62.53 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 60.57 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની શકે છે. ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. નરોડા, નિકોલ, બાપુનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એસપી રિંગ રોડ જોખમી બન્યો હતો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પટકાયા હતા. વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે. ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરાયા હતા.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે. જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ પડશે. ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થશે
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.





















