Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 25 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ વરસશે.

અમદાવાદ: રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 25 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ 25 જુલાઈથી ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 27 અને 28 જુલાઈના તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
5 દિવસ અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી બદલાયું છે. ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
27 જુલાઈએ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
27 જુલાઈ રવિવારે છોટા ઉદેપુર, અરવલ્, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદને પગલે 23 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર,અમદાવાદ,ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન
હવામાન વિભાગે વલસાડ, નવસારી,સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઇ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.
આગામી પાંચ દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે.
મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.6 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.





















