ગુજરાતના આ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી, સોમવારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા
છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા પ્રશાસનની પોલ ખૂલી તો આ તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવુંઅનુમાન છે.
રાજ્યમાં અત્યારસુધી ૪.૪૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૩.૩૧% વરસાદ નોંધાયો. ગત વર્ષે ૨૮ જૂન સુધી ૪.૮૬ ઈંચ સાથે સરેરાશ ૧૪.૩૨% વરસાદ પડયો હતો.
તો અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધંધોડા, ચીલરવાંટ, નાલેજ, રૂનવાડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા પ્રશાસનની પોલ ખૂલી તો આ તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાંજ બાદ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો. તો આ તરફ બાલાસીનોર, ખાનપુર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટું પડ્યુ છે.
તો આ તરફ આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આણંદના વલ્લભવિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, મોગરી, કરમસદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો..જેનેપ પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અમરેલી જિલ્લામાં સોમવારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. સોમવારે બપોર બાદ અમરેલી શહેર,ગોખરવાળા,સાવરકુંડલા શહેર અને જાફરાબાદ શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લીલીયા શહેરમાં વરસાદ પડતાં નાવલી નદીમા પાણી ની આવક થઈ. ગામની બજારમાં પણ પાણી નો પ્રવાહ જોવા મળ્યો હતો. તો આ તરફ બાબરના જામબરવાળા,રાયપર આસપાસ વરસાદ પડતાં સ્થાનીક ખેડૂતો ખુશ થયા અને ખેતરો પાણીથી ભરાયા છે. સાવરકુંડલાની નાવલી નદીમા પુર આવ્યું છે. તો જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થઈ છે.